માટીની સોડમથી રાષ્ટ્રીય શિખર સુધી, છોટાઉદેપુરની પીઠોરા કળાનો સ્વર્ણિમ યુગ

છોટાઉદેપુરની પરંપરાગત પીઠોરા ચિત્રકળા આજે આત્મનિર્ભરતાનું માધ્યમ બની છે. પદ્મશ્રી પરેશ રાઠવા અને સરકારી પ્રોત્સાહને આ કળાને રાષ્ટ્રીય ઓળખ અપાવી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 21 Aug 2026 06:00 AM (IST)Updated: Fri, 21 Aug 2026 06:00 AM (IST)
pithora-art-chhotaudepur-from-walls-to-global-recognition

Pithora Art Chhotaudepur: ગુજરાતના સરહદી અને અંતરિયાળ આદિવાસી જિલ્લા છોટાઉદેપુરની કાચી ભીંતો પર આલેખાતી આસ્થા આજે દેશ-વિદેશમાં પોતાની ઓળખ બનાવી ચૂકી છે. ઘરની દીવાલો પર કુદરતી રંગો વડે દોરાતી ‘પીઠોરા ચિત્રકળા’ માત્ર એક કળા નથી, પરંતુ આદિવાસી સમાજ માટે પૂજનીય લિપિ છે. વર્ષો જૂની આ પરંપરાને આજે નવું આકાશ મળ્યું છે, જેનો શ્રેય છોટાઉદેપુરના પીઠોરા ‘લખારા’ પરેશ રાઠવાની અથાક સાધનાને જાય છે.

‘લખારા’ અને પદ્મશ્રી પરેશ રાઠવાની યોગસાધના

પીઠોરા ચિત્ર દોરનાર કલાકારને આદિવાસી સંસ્કૃતિમાં ‘લખારા’ કહેવામાં આવે છે, કારણ કે આ ચિત્રોને ચિત્ર નહીં પણ પવિત્ર અક્ષરો (લિપિ) માનવામાં આવે છે. પરેશ રાઠવાએ આ વિરાસતને લુપ્ત થતી બચાવવા માટે પોતાના જીવનના દાયકાઓ સમર્પિત કરી દીધા. તેમની આ જ નિષ્ઠા અને પ્રકૃતિ સાથેના જોડાણને બિરદાવતા કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2023માં તેમને દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મશ્રી’થી નવાજવામાં આવ્યા હતા.

સરકારી પ્રોત્સાહન અને ઓડીઓપીનું બળ

પીઠોરા કળાને ભૌગોલિક ઓળખ એટલે કે GI ટેગ (Geographical Indication Tag) મળ્યા બાદ તેનું વ્યાપારી મૂલ્ય ખૂબ વધી ગયું છે. રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ, ઇન્ડેક્સ-સી (iNDEXT-C), કેન્દ્રીય કાપડ મંત્રાલય અને ‘ગરવી ગુર્જરી’ના સંયુક્ત પ્રયાસોથી સ્થાનિક યુવાનોને આ કળાનું વિધિવત્ પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ‘વોકલ ફોર લોકલ’ અને ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ (ODOP) યોજના હેઠળ વાઇબ્રન્ટ ગુજરાત જેવા વૈશ્વિક મંચ પર આ ચિત્રોનું પ્રદર્શન અને વેચાણ શરૂ કરાયું છે.

ટ્રાઇફેડ અને આર્થિક સ્વાવલંબન

કેન્દ્ર સરકારની ‘ટ્રાઇફેડ’ સંસ્થાના સહયોગથી આજે છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારના કલાકારોને વચેટિયાઓ વગર સીધું બજાર મળી રહ્યું છે. જે કળા પહેલા માત્ર ઘરોની ભીંતો પૂરતી સીમિત હતી, તે હવે કેનવાસ, કાપડ, અને હોમ ડેકોરની વસ્તુઓ પર ઉતરીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોમાં અગ્રણી સ્થાન મેળવી રહી છે. પરિણામે, સેંકડો આદિવાસી પરિવારો માટે આ કળા આજે રોજગારી અને સ્વમાનભેર જીવવાનું સબળ માધ્યમ બની ચૂકી છે.