Sankheda News: સંખેડાના કુબેરપુરા ગામની સીમમાંથી ખૂંખાર દીપડો પકડાતા ગ્રામજનોએ વન વિભાગનો આભાર વ્યક્ત કરતા હાશકારો અનુભવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી દીપડો 20 કિલો મીટર વિસ્તારમાં ફરતો હતો. સંખેડા તાલુકાના ચૌરંગલા ગામે બે પશુના મારણ કર્યા હતા. રામસીંગપુરામાં એક પશુનું મારણ કર્યું હતું જેનાથી ખેડૂતો ભયભીત હતા.
સંખેડાનાં કુબેરપુરા, ચૌરંગલા, ભાટપુર, વટવત્તિયા જેવા ગામોમાં દીપડો ફરતો હતો. જેને લીધે દીપડાના આંતકથી લોકો ભયભીત હતા અને ખેડૂતો ડરના માર્યા ખેતરમાં જતા ના હતા. શિકારની શોધમાં આસપાસના 20 કિલોમીટરના વિસ્તારમાં દીપડો ફરતો હોવાથી ખેડૂતો ખેતરમાં જતાના હતા. 8થી 10 ખેડૂતો એક સાથે દીપડાથી રક્ષણ મેળવવાના સાધનો લઈને ખેતર જતા હતા. જીવનું જોખમ કરીને ખેતી કરતા હતા. જેને અંગે આસપાસની ગ્રામ પંચાયતના સરપંચોએ અને ગ્રામજનોએ વન વિભાગને વારંવાર રજુઆત કરતા વન વિભાગે સંખેડાના કુબેરપુરા અને ભાટપુરમાં બે પીંજરા મુક્યાં હતા. દીપડાને પાંજરે પુરવા માટે વન વિભાગ 10 દિવસથી મહેનત કરી રહ્યું હતું પરંતુ, દીપડો પાંજરે પૂરાતો ના હતો દીપડો માનવ વસ્તીમાં વારંવાર દેખાતા વનવિભાગ આ દીપડો માનવ ઉપર હુમલો ના કરે તેમાટે અનેક પ્રયત્નો કર્યા હતા.
કુબેરપુરા ગામની સીમમાં મુકેલા પીંજારામાં દીપડો પુરાઈ જતા માનવ વસ્તીમાં અને 15 જેટલા ગામોમાં ખુશીની લહેર જોવા મળી હતી. વન વિભાગે આ દીપડાને પાંજરા સાથે સંખેડા નર્સરી ગ્રાઉન્ડમાં લઈ ગયા છે. ત્યાં પશુ ચિકિત્સક પાસે સારવાર કરાવી છે જ્યારે આદિવાસી વિસ્તારમાં અનેક ગામોમાં દીપડાના આંતક દિવસે દિવસે વધી રહ્યો છે. RFO બારિયાના જણાવ્યા મુજબ દીપડાઓની વસ્તી દિવસે દિવસે વધી રહી છે અને જંગલોમાં તેઓને પૂરતો ખોરાક મળતો નથી. જેનાથી તેઓ માનવ વસ્તી તરફ આવે છે. દીપડાઓની વસ્તી કેટલી છે તેની ગણતરી હજુ બાકી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
