Janjatiya Gaurav Divas: ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે રાજ્યકક્ષાના 'જનજાતીય ગૌરવ દિવસ'ની ઉજવણી છોટાઉદેપુર જિલ્લામાં અતિ ઉત્સાહ અને ઉમંગ સાથે સંપન્ન થઈ છે. આ વિશેષ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી જનમેદનીને સંબોધિત કરી હતી.
બિરસા મુંડા સર્કલથી ભવ્ય રોડ-શો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છોટાઉદેપુરની મુલાકાતે પહોંચ્યા ત્યારે જાહેર સભાને સંબોધતા પૂર્વે નગરના ભગવાન બિરસા મુંડા સર્કલથી એસ. એન. કોલેજના ગ્રાઉન્ડ સુધી એક ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોડ-શો દરમિયાન સ્થાનિક નાગરિકો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

3.5 કરોડના ખર્ચે 6 અત્યાધુનિક મિની ફાયર ટેન્ડરની ભેટ
આ ગૌરવવંતા પર્વ પર જિલ્લાના નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન (Disaster Management)ની યંત્રણાને વધુ સક્ષમ અને વેગવાન બનાવવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનની ગ્રાન્ટમાંથી અંદાજે રૂ. 3.5 કરોડના જંગી ખર્ચે તૈયાર કરવામાં આવેલ કુલ 6 અત્યાધુનિક મિની ફાયર ટેન્ડરનું મુખ્યમંત્રીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વાહનોથી ગ્રામ્ય અને દુર્ગમ વિસ્તારોમાં આગ જેવી દુર્ઘટનાઓ પર તાત્કાલિક કાબૂ મેળવવામાં મોટી મદદ મળશે.
કલ્યાણકારી યોજનાઓની માહિતી
આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આયોજિત વિવિધ કલ્યાણકારી યોજનાઓ, વિકાસ કાર્યો અને આગામી પ્રકલ્પોની ઝાંખી કરાવતી એક વિશેષ પ્રદર્શનીનું મુખ્યમંત્રીશ્રીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રદર્શની આગામી 3 દિવસ સુધી નાગરિકો માટે ખુલ્લી રહેશે, જેથી સ્થાનિક જનતા સરકાર દ્વારા આદિવાસી સમાજના સર્વાંગી ઉત્થાન માટે ચલાવાતી યોજનાઓથી માહિતગાર થઈ શકે અને તેનો મહત્તમ લાભ લઈ શકે.

મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ
આ ભવ્ય આયોજન અને રોડ-શો દરમિયાન લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, રાજ્યસભાના સાંસદ ડો. મુકેશભાઈ રાઠવા, સ્થાનિક ધારાસભ્યો સર્વ રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતિભાઈ રાઠવા, અભેસિંહ તડવી, પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા અને ગીતાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, આદિજાતિ વિકાસ વિભાગના સચિવ આલોકકુમાર પાંડે, નિયામક રચિત રાજ, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને જિલ્લા વિકાસ અધિકારી ઓમકારસિંહ શિંદે સહિતના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ વિશેષરૂપે જોડાયા હતા.
