Chhota Udepur:બોડેલીની નકલી સરકારી કચેરીના કૌભાંડમાં તત્કાલીન પ્રાયોજના વહીવટદાર વી.સી.ગામીત દ્વારા કોર્ટમાં સરેન્ડર થતા છોટાઉદેપુર પોલીસે કબજો મેળવીને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જયારે કૌભાંડનો ભેજાબાજ અબુબકર સૈયદનો ભાઈ એજાજ સૈયદ અને રિટાયર્ડ સનદી અધિકારી બી.ડી નિનામાનો પણ દાહોદ પોલીસ પાસેથી છોટાઉદેપુર પોલીસે કબજો મેળવી કુલ રૂ. 3.17 કરોડ ફ્રીઝ કર્યા છે
છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનારી બોડેલી ખાતે નકલી સિંચાઈ કચેરી ઉભી કરી કૌભાંડ આચરવાના ગુનામાં પોલીસે છોટાઉદેપુર અને દાહોદના તત્કાલિન પ્રાયોજના વહીવટદાર વી.સી. ગા મીત અને આઇએએસ બી.ડી. નિનામા સહિત એજાજ સૈયદની ધરપકડ કરી હતી. છોટાઉદપુર પોલીસની તપાસમાં અત્યાર સુધી મળી આવેલા 94 બેન્ક એકાઉન્ટમાં જમા 3.17 કરોડ ફ્રીઝ કરવામાં આવ્યા છે. જ્યારે બેન્કોમાંથી કબ્જે કરવામાં આવેલા દસ્તાવેજોમાં ગાંધીનગરનો એક નકલી ઓર્ડર પણ મળી આવ્યો છે. પોલીસે વી.સી. ગામીતના સાત દિવસના અને અબુબકરના ભાઇ એજાજ સૈયદના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે દાહોદથી ટ્રાન્સફર વોરંટને આધારે ધરપકડ કરાયેલા આઇએએસ વી.ડી. નિનામાના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જિલ્લા પોલીસ વડા આઇ.જી. શેખે જણાવ્યું હતું.
નકલી કચેરીમાં અગાઉ છોટાઉદેપુર પોલીસ દ્વારા સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ચાર સરકારી કર્મચારીઓ સહિત અન્ય ત્રણ ની સંડોવણી બહાર આવતાં પોલીસે અટક કરી હતી. હાલ એ તમામ આરોપીઓ જેલ હવાલે છે. આ સાથે છોટાઉદેપુર પોલીસ દ્વારા 70 જેટલા એકાઉન્ટમાં 2.96 કરોડ ફ્રીજ કરાવ્યા હતા. જે મામલે છોટાઉદેપુર જિલ્લા પોલીસવડા આઈ.જી. શેખ દ્વારા પત્રકાર પરિષદ યોજી તપાસમાં બહાર આવેલ ચોકાવનારા ખુલાસાઓ કર્યા હતા. આ સમગ્ર ઘટના 2016 થી 2023 દરમિયાન ચાલતી હોવાનો મોટો ખુલાસો કર્યો હતો. જેમાં 21.15 લાખનો ગબન થયા હોવાનુ બહાર આવ્યું છે. છોટાઉદેપુર પોલીસે આ મામલે અન્ય ત્રણ આરોપીઓની અટક કરવામાં આવી છે. જેમાં તત્કાલીન પ્રાયોજના વહીવટદાર વી.સી.ગામીત દ્વારા કોર્ટમાં સરેન્ડર થતા છોટાઉદેપુર પોલીસે કબજો મેળવ્યો છે. અને સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
કૌભાંડનો ભેજાબાજ અબુબકર સૈયદનો ભાઈ એજાજ સૈયદ કે જે સમગ્ર એકાઉન્ટનું સંચાલન કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તેમજ રિટાયર્ડ સનદી અધિકારી બી.ડી નિનામાનો પણ દાહોદ પોલીસ પાસેથી છોટાઉદેપુર પોલીસે કબજો મેળવ્યો છે. છોટાઉદપુર પોલીસે બીજા 24 એકાઉન્ટમાં રૂપિયા 20 લાખ 58 હજાર ફ્રીજ કરાવ્યા છે. જે મળીને કુલ 94 ખાતાની 3 કરોડ 17 લાખ ની રકમ ફ્રીઝ કરાવી છે. આ સાથે ચાર લાખ રૂપિયાની ફીઝીકલી રિકવરી પણ કરવામાં આવી છે. આરોપીઓ દ્વારા બેન્કોમાં ગાંધીનગરનો નકલી ઓર્ડર રજૂ કરાયો હોવાનું પણ બહાર આવ્યું છે. જે ઓર્ડર પણ નકલી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
