Chhota Udepur News: નસવાડીના ડુંગર વિસ્તારમાં ઝરણા ફૂટ્યા, ધારસિમેલમાં 70 ફૂટની ઉંચાઇએથી પડતાં ધોધને નિહાળવા પર્યટકો ઉમટ્યા

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 12 Aug 2024 04:54 PM (IST)Updated: Mon, 12 Aug 2024 04:54 PM (IST)
chhota-udepur-news-tourists-flock-to-dharsimel-village-in-nasvadi-dungar-to-witness-a-70-foot-waterfall

Chhota Udepur News: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલ ડુંગરાળ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા 70 ફૂટ ના ઉંચાઈએથી ધોધ શરુ થતા કુદરતી સૌંદર્યનો અદભુત નજારો જોવા મળ્યો છે. ધારસિમેલ ગામ ખાતે ધોધ શરુ થતું પર્યટકો દૂર દૂરથી આ ધોધના નયનરમ્ય દ્રશ્યો નિહાળવા ઉમટી પડ્યા હતા.

ચોમાસાની ઋતુ દરમિયાન અનેક ડુંગરાળ વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે કેટલાય નાના ઝરણાઓ તેમજ ધોધ શરુ થતા હોય છે. જેના કારણે પર્યટકો માટે આ ઋતુમાં નવું નજરાણું ઉભું થતું હોય છે. ત્યારે આવો જ અદભુત નજારો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલ ડુંગરાળ વિસ્તારમાં પણ જોવા મળી રહ્યો છે. જ્યાં ધારસિમેલ ગામમાં આવેલ પહાડોમાંથી વરસાદના કારણે નવા ધોધ શરુ થતા પ્રવાસીઓ દુરદુરથી આ ધોધને નિહાળવા માટે ઉમટી પડ્યા હતા.

નર્મદા નદીના કાંઠે આવેલ ધારસિમેલ ધોધના કારણે આ વિસ્તાર હવે પર્યટકોને આકર્ષી રહ્યો છે. અહીં ડુંગરાળ વિસ્તારમાં વરસાદી ઋતુમાં પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. આખો વિસ્તાર લીલી ચાદરમાં ઢંકાઈ ગયો હોય તેવું લાગે છે. 70 ફૂટ ના ઉંચાઈએથી સફેદ ધોધ ખડખડાટ પાણી સાથે વહેતા સહેલાણીઓ માટે આ એક કુદરતી દ્રશ્યનું ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે.