Pavagadh Weather Update:પંચમહાલ જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને યાત્રિકોના આસ્થાના કેન્દ્ર સમાન પાવાગઢ ડુંગર પર આજે વહેલી સવારે કુદરતનો એક અલગ જ અદભૂત અને રમણીય મિજાજ જોવા મળ્યો હતો. સવારના બ્રહ્મ મુહૂર્તમાં જ વાદળોની ઘેરાબંધી વચ્ચે અચાનક શરુ થયેલા મુસળધાર વરસાદને કારણે સમગ્ર પાવાગઢ પર્વત પ્રાકૃતિક સૌંદર્યથી ખીલી ઊઠ્યો હતો. ચોમાસાના આ આહ્લાદક વાતાવરણમાં પાવાગઢ ડુંગર પર જાણે વાદળો ઉતરી આવ્યા હોય તેવો અલૌકિક અનુભવ શ્રદ્ધાળુઓને થયો હતો.
વરસાદનું જોર વધતાં જ માં મહાકાળીના દર્શન કરવા જતાં મુખ્ય માર્ગ અને મંદિર તરફ જતાં પગથિયાં પરથી પાણીના વિશાળ ધોધ વહેવા લાગ્યા હતા. પહાડો પરથી ધસમસતા વહેતા આ નિર્મળ જળના પ્રવાહે સ્થળ પર ઉપસ્થિત તમામ લોકોના મન મોહી લીધા હતા. ડુંગર પર ચારેય બાજુ હરિયાળી, ચારેકોર પથરાયેલી ધુમ્મસની સુંદર ચાદર અને વચ્ચેથી વહેતા પાણીના ધોધે પાવાગઢના વાતાવરણને અત્યંત નયનરમ્ય બનાવી દીધું હતું. મંદિર પરિસરમાં અનુભવાતી ઠંડી હવાની લહેરો અને વરસાદી છાંટાઓએ વાતાવરણમાં એક અનેરી આધ્યાત્મિક અને પ્રાકૃતિક તાજગી ભરી દીધી હતી.
આવા રોમાંચક અને રમણીય વાતાવરણ વચ્ચે પણ માતાજીના ભક્તોના ઉત્સાહમાં સહેજ પણ ઘટાડો જોવા મળ્યો ન હતો. 'જય માતાજી' અને 'જય અંબે'ના નાદ સાથે હજારો ભક્તો વહેલી સવારથી જ માં મહાકાળીના ચરણોમાં સીસ ઝુકાવવા માટે પગથિયાં ચડીને ઉપર પહોંચ્યા હતા. વરસાદમાં પલળતાં પલળતાં અને કુદરતના આ મનમોહક રૂપાંતરના સાક્ષી બનતાં ભક્તોએ માતાજીના શિખરબદ્ધ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
સ્થાનિક વેપારીઓ અને પાવાગઢ આવતા પ્રવાસીઓના જણાવ્યા અનુસાર, વહેલી સવારનો આ નજારો ખરેખર અવિસ્મરણીય હતો. વરસાદી માહોલને કારણે એક તરફ વાતાવરણમાં આહ્લાદક ઠંડક પ્રસરી ગઈ હતી, તો બીજી તરફ કુદરતી દ્રશ્યોએ પાવાગઢની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા હતા.
સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પણ દર્શાનાર્થીઓને પગથિયાં પરથી વહેતા પાણી વચ્ચે સાવચેતીપૂર્વક ચઢાણ કરવા અને દર્શન કરવાની સલાહ આપવામાં આવી હતી. ભક્તો માટે આજના દિવસના દર્શન આધ્યાત્મિક શાંતિની સાથે સાથે પ્રકૃતિના અદભૂત સૌંદર્યનો અનન્ય સંગમ બની રહ્યા હતા.
