Chhota Udepur: કાળઝાળ ગરમી વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે રવિવારે મોડી રાતથી ગુજરાતના વાતાવરણમાં નાટ્યાત્મક પલટો જોવા મળી રહ્યો છે. જેમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં તોફાની પવન ફૂંકાવા સાથે વરસાદ તૂટી પડતા ઠેક-ઠેકાણે જનજીવન ખોરવાયું છે. એવામાં છોટા ઉદેપુરમાં વરસાદના કારણે જાન સમયસર ના પહોંચતા વરપક્ષને રૂ. 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ગઈકાલે મિની વાવાઝોડા સાથે ફૂંકાયેલા પવનના કારણે છોટા ઉદેપુર જિલ્લામાં જનજીવનને ખોરવાયું હતુ. ખાસ કરીને બોડેલી તાલુકાના શિવજીપુરા, રાજપુર, મોઢીયાળી, વાલોઠી અને બામરોલી સહિતના ગામોમાં ધૂળની ડમરીઓ સાથે તોફાની પવન ફૂંકાતા અનેક મકાનોના છાપરા ઉડીને 100 ફૂટ જેટલા દૂર ફંગોળાઈ ગયા હતા. આ સાથે જ રસ્તામાં ઠેર-ઠેર વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થઈ ગયા હતા. એવામાં વાલોઠી ગામમાં પણ આયોજિત લગ્ન પ્રસંગ માટે બાંધવામાં આવેલો માંડવો પણ ઉડી ગયો હતો.
હકીકતમાં છોટા ઉદેપુરના નાયક સમાજમાં DJના તાલે નાચગાન કરતાં જાનૈયાઓને સમયનું ભાન કરાવવા માટે એક નિયમ બનાવવામાં આવ્યો છે. જે અંતર્ગત જો જાન સમયસર માંડવે ના પહોંચે, તો વરપક્ષ દ્વારા કન્યા પક્ષને 10 હજાર રૂપિયાનો દંડ ચૂકવવો પડે છે.
એવામાં બોડેલી તાલુકાના વાલોઠી ગામમાં કિરણ નાયકના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ. જો કે ભારે પવન ફૂંકાતા રસ્તામાં ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હોવાથી કિરણભાઈની જાન સમયસર માંડવે પહોંચી નહતી. જેથી કન્યા પક્ષ દ્વારા વર પક્ષને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જે દંડની રકમ ચૂકવ્યા બાદ આજે સવારે જાન પ્રસ્થાન કરવામાં આવી હતી.
