Chhota Udepur: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલના ધસમસતાં પાણીમાં તણાયેલા આધેડ વ્યક્તિનો જીવ બચાવવા પોલીસ કર્મચારીએ પોતાના જીવની પરવાહ કર્યાં વગર પાણીમાં ઝંપલાવ્યું હતું. જોકે પોલીસ કર્મી તણાઈ રહેલ આધેડ વ્યક્તિનો જીવ બચાવી શકયા ના હતા
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, બોડેલીની નર્મદા કેનાલમાં આધેડ વ્યક્તિએ મોતની છલાંગ લગાવી હતી. આ બનાવને પગલે કેનાલની આસપાસ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા CPI એસ.બી વસાવાને રાહદારીઓએ આધેડ વ્યક્તિ તણાયો હોવાની જાણ કરી હતી. જેથી CPI વસાવાએ પણ આધેડનો જીવ બચાવવા માટે કેનાલમાં કૂદી પડ્યા હતા. જો કે તેમણે મહામહેનતે આધેડનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક આધેડ ભગાપુરા ગામમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. જેમણે કોઈ બીમારીના પગલે જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
