Chhotaudepur News: છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં એક ચોંકાવનારુ બોગસ જાતિ પ્રમાણપત્ર કૌભાંડ સામે આવ્યું છે. જેમાં નસવાડીમાં એક યુવકને નકલી જાતિ પ્રમાણપત્ર બનાવવાના આરોપમાં પોલીસે તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક મામલતદારની ફરિયાદને આધારે પોલીસે ગણતરીની કલાકોમાં જ મુખ્ય આરોપીની ધરપકડ કરીને કાયદેસરના કડક પગલાં લીધા છે.
શું હતી સમગ્ર ઘટના
મળતી માહિતી પ્રમાણે, નસવાડી તાલુકાના રતનપુરા ગ્રામ પંચાયતમાં VCE તરીકે ફરજ બજાવતો સફરાજ ભીલ નામનો યુવક સમગ્ર કૌભાંડનો મુખ્ય સુત્રધાર છે. ગ્રામ પંચાયતમાં કામ કરતા હોવાને લીધે તેને સરકારી સિસ્ટમ અને દસ્તાવેજો બનાવવાની પ્રક્રિયાની સંપૂર્ણ જાણકારી હતી. આ જ્ઞાનનો ગેરલાભ ઉઠાવીને તેણે નસવાડીમાં પોતાની એક અલગ ઓફિસ ઉભી કરી દીધી હતી.
નકલી સર્ટિફિકેટના રુ. 500 લેતો
સરકારી કચેરીઓમાં ધક્કામાંથી બચવા અને ઝડપથી પ્રમાણપત્ર મેળવવાની લાલચે લોકો સફરાજ પાસે પહોંચતા હતા. આરોપી માત્ર 500 રુપિયા લઈને લોકોને નકલી જાતિના દાખલા બનાવી આપતો હતો.
સમગ્ર કૌભાંડનો થયો પર્દાફાશ
નસવાડીના સ્થાનિક પ્રભુ રાઠવાને તેમના દિકરાને આશ્રમશાળામાં પ્રવેશ અપાવવાનો હોવાથી જાતિના દાખલાની જરુરિયાત હતી. તાલુકા પંચાયતમાં જાતિના દાખલાની કામગીરીમાં વિલંબ થતા તેણે આરોપી સફરાજનો સંપર્ક કર્યો અને દાખલો મેળવ્યો હતો. આ દાખલો જ્યારે સરકારી પ્રક્રિયા હેઠળ આવ્યો ત્યારે મામલતદારને સર્ટિફિકેટ પર શંકા ગઈ હતી.
પોલીસે આરોપીની ધરપકડ કરી
મામલતદારે તાત્કાલિક વેરિફિકેશન કરાવતા આંકડા અને દસ્તાવેજ નકલી હોવાનું સાબિત થયું હતું. મામલતદારની સત્તાવાર ફરિયાદને આધારે પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપી સફરાજ ભીલની ધરપકડ કરી છે. , આરોપીએ અત્યાર સુધીમાં કેટલા લોકોને નકલી પ્રમાણપત્રો વેચ્યા છે, તેમજ અન્ય કોઈની સંડોવણી છે કેમ? તે પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે.
