Chhota Udepur: પાવી જેતપુરના બોરકંડા ગામે જમીનના ડખ્ખામાં લોહી રેડાયું, 13 વર્ષની કિશોરીની ઘાતકી હત્યા

માતા-પિતા ખેતરમાં કામે ગયા, ત્યારે કિશોરી ઘરે પોતાના વૃદ્ધ દાદી જોડે હતી. આ સમયે હત્યારાએ કિશોરીને મોતને ઘાટ ઉતારી તેની લાશ ઢસડીને ખેતરમાં ફેંકી દીધી

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 28 Dec 2025 11:55 PM (IST)Updated: Sun 28 Dec 2025 11:55 PM (IST)
chhota-udepur-13-years-old-girl-murder-in-land-dispute-at-kadwal-663766
HIGHLIGHTS
  • ઘરની બાજુના ખેતરમાંથી કિશોરીનો મૃતદેહ મળી આવ્યો હતો
  • લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો

Chhota Udepur: પાવી જેતપુર તાલુકાના કદવાલ વિસ્તારના બોરકંડા ગામે કૌટુંબિક જમીન વિવાદને કારણે 13 વર્ષની માસૂમ કિશોરીની નિર્મમ હત્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે.

કિશોરીનો લોહીલુહાણ મૃતદેહ ઘરની બાજુ આવેલા ખેતરમાંથી મળી આવતા સમગ્ર ગામમાં શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. આ ઘટનાની ગંભીરતા જોતા છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૃતક કિશોરી દિવસ દરમિયાન પોતાના ઘરે હતી. સવારે કિશોરીના પરિવારજનો ખેતરે કામે ગયા હતા. તે સમયે ઘરમાં માત્ર વૃદ્ધ દાદી અને કિશોરી હાજર હતા. આ તકનો લાભ લઈ આરોપીએ કિશોરી પર ઘાતકી હુમલો કરી તેની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ આરોપીએ કિશોરીના મૃતદેહને ઢસડીને ઘરની બાજુના ખેતરમાં ફેંકી દીધો હતો.

બપોરે માતા ખેતરેથી ઘરે પરત ફરતા દીકરી ઘરમાં ન દેખાતા તેમણે આસપાસ શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન ઘરની બાજુના ખેતરમાંથી કિશોરીનો લોહીલુહાણ મૃતદેહ મળી આવતા પરિવારના માથે આભ તૂટી પડ્યો હતો.

આ ઘટનાની જાણ થતાં કદવાલ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

પોલીસે અજાણ્યા ઈસમ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે, મૃતકના પરિવાર સાથે જમીન બાબતે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. જેના આધારે પોલીસે હટુભાઈ રાઠવાની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી.

પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતાં આરોપીએ કિશોરીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી, જેના પગલે તેને કદવાલ પોલીસને હવાલે કરવામાં આવ્યો છે.