Chhota Udaipur: સંખેડા સેવા સદનમાં તત્કાલીન સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા વર્ગ-3ના કર્મચારી સામે લાંચ સ્વીકારવાના ગુનો નોધાયો હતો. જે કેસ ચાલી જતાં આરોપી તત્કાલીન સર્કલ ઓફિસરની સ્પેશ્યલ જજ (ACB) તથા સેસન્સ જજ દ્વારા 4 વર્ષની સજા ફટકારવામાં આવી છે.
છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે વર્ષ 2021માં તત્કાલીન સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા રાકેશકુમાર જેઠાભાઈ પાટીદાર દ્વારા એક અરજદાર પાસેથી વડીલોપાર્જિત જમીનમાં પરિવારજનોના નામ ઉમેરવા માટે રૂ.14 હજારની લાંચ માંગવામાં આવી હતી. જે અંગે અરજદાર દ્વારા ACBમાં ફરિયાદ કરતા 18 ઓકટોબર 2021ના એન્ટી કરપ્શન વિભાગ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં સર્કલ ઓફિસર રાકેશકુમાર જેઠાભાઈ પાટીદારને રૂ.14,000 લેતા ઝડપી પાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો
જે અંગે સ્પેશ્યલ જજ (એસીબી) તથા સેશન જજ ડી.પી. ગોહિલની કોર્ટમાં કેસ ચાલી જતાં સરકારી વકીલ રાજેન્દ્રસિંહ પરમારની ધારદાર દલીલોને માન્ય રાખી આરોપી રાકેશકુમાર જેઠાભાઈ પાટીદારને કસૂરવાર ઠેરવી આરોપીને લાંચ રૂશ્વત પ્રતિબંધક ધારા 1988ની કલમ 7(એ) મુજબના શિક્ષાપાત્ર ગુના બદલ ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂ.10000 દંડની સજા કરવામાં આવી છે. તેમજ લાંચ રૂશ્વત પ્રતિબંધક ધારા 1988ની ક્લમ 13(2) સાથે વાંચતા કલમ 13(1)(એ) મુજબ શિક્ષાપાત્ર સબબ ચાર વર્ષની સખત કેદની સજા તથા રૂ.15000 નો દંડની સજા ફટકારવામાં આવી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
