Chhota Udaipur: નસવાડી ખાતે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા નીકળશે અને નસવાડીના મુખ્ય માર્ગો ઉપર તે ફરશે. જેને લઈ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નસવાડી તાલુકામાં કોંગ્રેસની પકડ ઢીલી થતી હોવાથી કોંગ્રેસને મજબૂત બનાવવા માટે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને નસવાડીને પસંદ કરવામાં આવ્યું છે. યાત્રાને લઈને કોંગ્રેસના હોદેદારો તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે.
નસવાડીમાં આગામી તા. 9 માર્ચના રોજ સવારે 10 કલાકે ભારત જોડો યાત્રાનું આગમન થશે. નસવાડીના અશ્વીન નદીના બ્રિજ ઉપરથી નસવાડી ગામના મુખ્ય માર્ગો ઉપર સ્ટેશન વિસ્તાર, ચાર રસ્તા, જકાતનાકા ફરી નર્મદા જિલ્લામાં પ્રવેશે નસવાડીમાં માનવ મેદની ભેગી કરવા માટે કોંગ્રેસ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાંથી તમામ કાર્યકરોને બોલવામાં આવ્યા છે. રાહુલ ગાંધી પગપાળા નસવાડી ગામના ઇતિહાસમાં પેહલી વાર પગ મૂકશે. જયારે છોટાઉદેપુર જિલ્લા પોલીસ પણ આની તૈયારીઓમાં લાગી ગયું છે.
આ પણ વાંચો
છોટાઉદેપુર જિલ્લા આદિવાસી વિસ્તારના દિગ્ગજ નેતા નારણ રાઠવા સહિતના અગ્રણીઓ ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસમાં મોટું ધોવાણ થતા તેને અટકાવવા માટે રાહુલ ગાંધીની યાત્રાનો રૂટ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને નસવાડીને પસંદ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના કાર્યકરોમાં લોકસભાની ચૂંટણીને લઇ ઉત્સાહ વધારવા રાહુલ ગાંધી સહીતના કેન્દ્રીય નેતાગીરી ગામોમાં જઈ કોંગ્રેસને મજબૂત બનાવવા મહેનત શરૂ કરી છે.
એક બાજુ છોટાઉદેપુર જિલ્લામાંથી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો કોંગ્રેસમાંથી તૂટી રહ્યા છે ત્યારે બીજી બાજુ કોંગ્રેસના મોટા નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાને લઇ છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસના કાર્યકરોને જોડવા આદિવાસી વિસ્તારમાં આગમન કરશે. હાલ તો કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે અને રાહુલ ગાંધીને મળવા ભારે ઉત્સુક છે. પોલીસે પણ સુરક્ષાને લઇ તૈયારીઓ શરૂ કરી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
