Chhota Udepur: ભાજપ નેતા રુપાલા સામે ક્ષત્રિયોના રોષની આગ બોડેલી સુધી પહોંચી, જબુગામમાં ઠેર-ઠેર ભાજપ નેતાઓની પ્રવેશબંધીના બેનરો લાગ્યા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 06 Apr 2024 06:14 PM (IST)Updated: Sat, 06 Apr 2024 06:15 PM (IST)
chhota-udaipur-banner-against-bjp-candidate-parshottam-rupala-at-jabugam-village-in-bodeli

Chhota Udepur: લોકસભાની ચૂંટણી ટાણે રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપ ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા વાણી વિલાસથી ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. આ રોષની આગ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી સુધી પહોંચી હોય તેમ અહીના જબુગામમાં ભાજપના કાર્યકરો અને આગેવાના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતા બેનરો લગાડવામાં આવ્યા છે.

છોટા ઉદેપુર જિલ્લાના સમસ્ત બોડેલી તાલુકા રાજપૂત સમાજ દ્વારા જબુગામમાં ઠેર-ઠેર રુપાલા વિરુદ્ધ બેનરો લગાવવામાં આવ્યા છે. જેમાં 'પરષોત્તમ રુપાલાની ટિકિટ રદ્દ ના થાય, ત્યાં સુધી ભાજપના કોઈપણ કાર્યકરો કે આગેવાનોને જબુગામમાં પ્રવેશ કરવો નહીં' તેવું લખાણ લખવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે, પરસોત્તમ રૂપાલા સામે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજે બાયો ચઢાવી છે. ત્રણ-ત્રણ વખત રૂપાલાએ સમાજની માફી માંગી છે, પરંતુ સમાજ માફી આપવાના મિજાજમાં નથી લાગી રહ્યો. ક્ષત્રિયો દ્વારા રૂપાલાની લોકસભાની ટિકિટ કાપવા માટે માંગ કરવામાં આવી છે અને જો આમ નહિ થાય તો આગામી સમયમાં પરિણામ માટે તૈયાર રહેવા ભાજપને ચીમકી પણ આપી છે.