વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય વિવેકસાગરદાસજી સ્વામીજીનો 40મો જન્મદિન 8 નવેમ્બરના રોજ ઉજવાઈ રહ્યો છે. નિર્મળ હૃદય અને સરળ સ્વભાવના પૂજ્ય સ્વામીજીના જન્મદિન નિમિત્તે સાળંગપુર ધામ ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય અને વિશેષ શણગાર ધરાવવામાં આવ્યો છે.
કોઠારી સ્વામીને જન્મદિનની શુભકામનાઓ
કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજીના જન્મદિન નિમિત્તે શાસ્ત્રી સ્વામીશ્રી હરિપ્રકાશદાસજી સ્વામીજી (અથાણાવાળા), પૂજારી સ્વામીશ્રી ડી. કે. સ્વામીજી તથા સમગ્ર સંત મંડળે એડવાન્સમાં હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.

આ ઉપરાંત, ધર્મધુરંધર 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજએ પણ દિવ્ય આશીર્વાદ પાઠવ્યા છે. સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદા, સદગુરુદેવ ગોપાળાનંદ સ્વામી અને પૂજ્ય ગુરુદેવ તેમને સેવાનું બળ, ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ અર્પે તેવી પ્રાર્થના સંતો અને હરિભક્તો દ્વારા કરવામાં આવી છે.
નાની વયેથી નિભાવી રહ્યા છે જવાબદારી
પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામીજી અને પૂજ્ય કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી સ્વામીજીના કુશળ માર્ગદર્શન હેઠળ સાળંગપુર મંદિરમાં અનેકવિધ સેવા અને ધર્મકાર્યો ચાલી રહ્યા છે. નાની વયે પવિત્ર સાળંગપુરધામમાં ભોજનાલય, વિશાળ ગૌશાળા, દાદાના નિત્ય અવનવા દિવ્ય શણગાર દર્શન તેમજ અવિરત મારુતિ યજ્ઞ જેવી વિવિધ મોટી જવાબદારીઓ તેઓ સફળતાપૂર્વક નિભાવી રહ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મહાનુભાવો દ્વારા શુભેચ્છાઓ
પૂજ્ય કોઠારી સ્વામીજીના 40મા જન્મદિનના પાવન અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહિત દેશ-વિદેશના અનેક રાજકીય-સામાજિક મહાનુભાવો, સંત મંડળ અને વિશાળ ભક્ત સમુદાયે તેમને ટેલિફોનિક તથા સંદેશા મારફતે દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટેની શુભકામનાઓ પાઠવી છે.
