Sarangpur Kali Chaudash 2026: કાળી ચૌદશના પાવન અને પવિત્ર અવસરે બોટાદ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રદ્ધા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ દાદાના દર્શનાર્થે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ મંદિર પરિસરમાં જોવા મળી હતી. કાળી ચૌદશના પાવન પ્રસંગે વહેલી સવારે દાદાની ભવ્ય મહાઆરતી અને પૂજનવિધિ સંપન્ન કરવામાં આવી હતી, ત્યારબાદ શ્રીકષ્ટભંજનદાદાની પવિત્ર છડીનો ખાસ અભિષેક કરાયો હતો.

ભવ્ય મહાઆરતી અને છડી પૂજન
કાળી ચૌદશના પાવન અવસર પર મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ખાસ દાદાની છડી પૂજન અને અભિષેક કરાયો હતો. ઉપરાંત આ પ્રસંગે ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને બાબુબાઈ જમનાદાસ પટેલ સહિતના 651 જેટલા હરિભક્તોએ યજ્ઞમાં બેસીને આહુતિ આપી ધન્યતા અનુભવી હતી.

આભૂષણોનો દિવ્ય અને અલૌકિક શણગાર
આ પાવન પર્વ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને હીરા જડિત ચાંદીના અદ્ભુત આભૂષણો તેમજ મનોહર ભરતકામ કરેલા વાઘાનો દિવ્ય અને અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. દાદાનું આ મંગળકારી અને મનમોહક રૂપ જોઈને દર્શનાર્થે આવેલા હજારો શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા હતા અને સમગ્ર સાળંગપુર ધામ "જય શ્રી રામ" અને "જય કષ્ટભંજન દેવ"ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
