સાળંગપુર હનુમાન મંદિર વિવાદ: આજે સૂર્યોદય પહેલાં તમામ વિવાદિત ભીંતચિત્રો હટાવાયા, વિવાદનો સુખદ અંત આવ્યો

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Tue, 05 Sep 2023 09:34 AM (IST)Updated: Tue, 05 Sep 2023 09:46 AM (IST)
sarangpur-hanuman-mandir-controversy-ends-as-all-disputed-murals-removed-from-salangpur-temple-before-sunrise-today

બોટાદઃ
Sarangpur Hanuman News: આજે મંગળવારે સૂર્યોદય થયાં પહેલાં સાળંગપુર વિવાદનો અંત આવ્યો છે. હનુમાનજીની 54 ફૂટ ઊંચી પંચધાતુમાંથી બનેલી મૂર્તિના બેસમાં હનુમાનજી નિલકંઠવર્ણીને પ્રણામ કરતા હોય તેવા ભીંતચિત્રો મંદિર તંત્ર દ્વારા હટાવી લેવામાં આવ્યા છે. જે બાદ સાળંગપુર વિવાદનો સુખદ અંત આવ્યો છે. મહત્ત્વનું છે કે, ગઈકાલે સાળંગપુરના કોઠારી વિવેકસાગર સ્વામી અને વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સંતવલ્લભદાસ સ્વામીએ મુખ્યમંત્રી સાથે આ વિવાદ અંગે બેઠક કરી હતી. જે બાદ આ વિવાદનો સુખદ અંત આવ્યો હતો. આ પછી ગઈકાલે સાંજે અમદાવાદના ઇસરોની સામે આવેલાં શિવાનંદ આશ્રમમાં સંતોએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી કે, આવતીકાલે સૂર્યોદય થયા પહેલાં વિવાદિત ભીંતચિત્રો હટાવી દેવાશે. જે મુજબ આજે વિવાદિત ભીંતચિત્રો હટાવી લેવામાં આવ્યા છે.

શિવાનંદ આશ્રમ ખાતે બે કલાક સુધી બેઠક ચાલી હતી
વિવાદના ઉકેલ માટે આજે અમાદવાદ સ્થિત શિવાનંદ આશ્રમમાં બે કલાક સુધી બેઠક ચાલી હતી. જેમાં વડતાલ ગાદીના કોઠારી સંત વલ્લભદાસ સ્વામી અને સારંગપુરના કોઠારી વિવેક સાગર દાસ સ્વામી હાજર રહ્યા હતા.

બેઠકમાં આ ઠરાવ પસાર કરાયા
વડતાલ પીઠાધીશ્વર આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનો સ્પષ્ટ મત છે કે- સ્વામિનારાયણ સંપ્રદાય વૈદીક સનાતન ધર્મનો જ એક ભાગ છે અને વૈદીક ધર્મની પરંપરાઓ અને પૂજા પદ્ધતિઓ, હિન્દુ આચારોનું આદરપૂર્વક પાલન કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સમાજનો અંગ હોવાથી સમાજની લાગણીઓને દુભાવવા ઈચ્છતું નથી તેથી અમે એ જણાવીએ છીએ કે સાળંગપુર મંદિર ખાતેના જે ભીંતચિત્રોથી લાગણી દુભાણી છે તે ભીંતચિંત્રોને કાલે સૂર્યોદય થતા પહેલા લઈ લેવામાં આવશે.

naidunia_image

સમાજમાં સમરસતા જળવાઈ રહે તે માટે બીજા બધા વિવાદાસ્પદ મુદ્દાઓ અંગે વિશ્વ હિન્દુ પરિષદ સ્વામિનારાય સંપ્રદાયના વિવિધ પ્રવાહો તથા હિન્દુ સનાતન ધર્મના આચાર્યો, સંતો સાથે વિચાર પરામર્શ બેઠક ટૂંક સમયમાં યોજાશે. અને સમાજમાં વિસંવાદિતતા દૂર કરવા માટે અમે કટીબદ્ધ છીએ. આ ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે દ્વારકા પીઠાધીશ્વર શંકરાચાર્જ મહારાજા, સ્વામી સદાનંદ સરસ્વતીજી તેમજ વડતાલ ગાદીપતી આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે બેઠક કરવામાં આવશે.

naidunia_image

વડતાલ પીઠાધીશ્વર આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તેમજ વડીલ સંતોએ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને આદેશ આપ્યો છે કે કોઈએ વિવાદાસ્પદ વાણીવિલાસ કરવો નહીં. વિશ્વ હિન્દુ પરિષદના સંતોના ચરણોમાં તથા હિન્દુ સમાજને પ્રાર્થના કરે છે કે આ વિવાદનો પૂર્ણ ઉકેલ લાવવા માટે સક્રીય પહેલ થયેલી છે. તેથી સૌ કોઈ સમાજની સમરસતા તૂટે તેવા નિવેદનો ન કરે.

naidunia_image

શું હતો સમગ્ર વિવાદ
સાળંગપુરમાં હનુમાનજીની વિશાળ પ્રતિમા નીચે કેટલાક ભીંતચિત્રો લગાવવામાં આવ્યા છે. જેમાં હનુમાનજીને દાસ તરીકે પ્રસ્તૃત કરવામાં આવ્યા છે. આ ભીંતચિત્રોને લઇને સોશિયલમાં મીડિયામાં પોસ્ટ ફરતી થઇ હતી. વિવાદિત ભીંતચિત્રોને લઇને સનાતન ધર્મના સંતો, મહંતો અને સાધુઓ નારાજ થયા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને આ ભીંતચિત્રો ત્વરિત ધોરણે હટાવવામાં આવે માટે પણ જણાવવામાં આવ્યું હતું.

શનિવારે હર્ષદ ગઢવી નામના શખ્સ દ્વારા ભીંતચિત્રોમાં કાળી શાહી લગાવવામાં આવી હતી. જેને લઇને તેમના સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટ દ્વારા 10 હજારના બોન્ડ સાથે જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.

બીજી તરફ ગઇકાલે કેટલાક સંતો-મહંતોએ સ્વામિનારાયણ સંતો સાથે સાળંગપુરમાં બંધ બારણે બેઠક કરી હતી. એ બેઠક પૂર્ણ થયા બાદ સંતો દ્વારા બે દિવસમાં આ મુદ્દે સુખદ ઉકેલની આશા વ્યક્ત કરવામાં આવી હતી. તો બીજી તરફ સ્વામિનારાયણ સંતો દ્વારા પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ સમગ્ર વિવાદ મામલે સંત સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિ દ્વારા જે નિર્ણય કરાશે તે પ્રમાણે ઉકેલ લાવવામાં આવશે.