Salangpur Controversy: સાળંગપુર વિવાદને લઈને આગામી તા. 5મીએ લીંબડીમાં સાધુસંતોનું સંમેલન, ભીંતચિત્રો નહીં હટાવાય તો ઉપવાસ આંદોલનની ચિમકી

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sun, 03 Sep 2023 10:21 AM (IST)Updated: Sun, 03 Sep 2023 10:22 AM (IST)
salangpur-controversy-saints-convention-in-limbdi-on-5th-hunger-strike-if-murals-not-removed

સાળંગપુર વિવાદ: શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી સાળંગપુર મંદિર છેલ્લા ઘણા દિવસથી વિવાદોમાં છે. સાળંગપુરમાં હનુમાનજીની 54 ફૂટ ઊંચી પંચધાતુની મૂર્તિ નીચે કંડારવામાં આવેલા ભીંતચિત્રને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે. સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રને લીધે ઉભા થયેલા વિવાદ બાદ રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

આ વિવાદ મામલે આગામી તા.5મીએ લીંબડી ખાતે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં સાધુસંતોનું એક સંમેલન મળવા જઇ રહ્યું છે. આ સંમેલનમાં સાધુસંતો તમામ પાસાની ચર્ચાના અંતે લડતની રણનીતિ ઘડશે. સાધુસંતોએ ચિમકી ઉચ્ચારી છે કે, જો મંદિરમાં ભીંતચિત્રો નહીં હટાવાય તો મંદિરની બહાર ઉપવાસ કરવામાં આવશે.

સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રો હટાવવાની માંગ સાધુસંતોએ બુલંદ બનાવી છે. લીંબડીમાં તા.5મીએ નિમ્બાર્ક મંદિરમાં સવારે 9 થી 12 વાગ્યા સુધી સાધુસંતોનું એક મહાસંમેલન યોજાનાર છે. જેમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાંથી 250થી વધુ સાધુસંતો હાજરી આપશે. આ સંમેલનમાં સાળંગપુર મંદિરમાં ભીંતચિત્ર હટાવવા માટેનો ઠરાવ પસાર કરીને લડત માટે આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.

ભીમનાથ મહાદેવ મંદિરના મહામંડલેશ્વર આશુતોષગિરી બાપુએ તાકીદે ભીંતચિત્રો હટાવવા માંગ કરી છે. જો ભીંતચીત્ર નહીં હટાવાય તો હજારો હનુમાન ભક્તો સાળંગપુર મંદિર તરફ કૂચ કરશે. એટલું જ નહીં, ત્રણ હજાર સાધુસંતોનું સંમેલન બોલાવી ભીંતચિત્ર દૂર કરાશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે. આ ઉપરાંત, અમદાવાદમાં સરખેજ ખાતે રવિવારે મહંત ભારતીબાપુના આશ્રમમાં સાધુસંતોની બેઠક બોલાવવામાં આવી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.