Salangpur Hanumanji Mandir: દેશ-દુનિયામાં દિવાળી પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે સાળંગપુરધામમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં આજે, 19 ઓક્ટોબર 2025, રવિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને સિલ્વર ડાયમંડ વાઘાનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો હતો. તો આજે હનુમાનજીના સિંહાસને કાંચમાંથી બનાવેલ મહેલની થીમનો શણગાર કરાયો. આ શણગાર કરતા 4 દિવસનો સમય લાગ્યો હતો. આજના શુભ દિવસે શણગાર આરતી સવારે 5:45 કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી. ભક્તોએ દાદાના દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
હીરાજડિત વાઘા પહેરાવ્યા
સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવને ચાંદીના 1 લાખ 8 હજાર પ્લસ હીરાજડિત વાઘા પહેરાવવામાં આવ્યા છે. હનુમાનજીને પહેરાવવામાં આવનાર આ વાઘાનું વજન 15 કિલો છે. સાથે જ શ્રી કષ્ટભંજનદેવના મુગટમાં 7000 અને કુંડળમાં 3000 હીરા લગાવવામાં આવ્યા છે. સાળંગપુર મંદિરને આ વાઘા વડતાલ મંદિરના પિઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદ સહિત મહંત પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી તથા હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા. આ સુવર્ણ વાઘાનું સંપૂર્ણ કાર્ય સાળંગપુર મંદિરના કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું.
આ વસ્તુઓનો થયો ઉપયોગ
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના આ વાઘામાં ચાંદીની અંદર 1 લાખ 8 હજારથી વધુ ડાયમંડ લગાડવામાં આવ્યા છે. એક વર્ષથી આ વાઘાનું કામ અમદાવાદ અને કોલકાતામાં ચાલ્યું હતું. આ વાઘા વિશેષ એટલા માટે છે કે, તેમાં 1 લાખ 8 હજારથી વધુ અમેરિકન ડાયમંડનો ઉપયોગ થયો છે. આ ઉપરાંત વાઘામાં 200 રિયલ ડાયમંડ, 100 ગ્રામ રોડિયમ, 200 માણેક અને 200 પન્નાનું જડતર છે. આ વાઘામાં 14 કિલો ચાંદીનો ઉપયોગ થયો છે.
વાઘાની વિશેષતા
આ વાઘામાં મુગટ, કલગી, કુંડળ, ગળાબંધ, સુરવાલ, રજવાડી સેટ, મોજડી અને કંદોરો પણ સામેલ છે. આ મુગટમાં સાત હજાર અને મોજડીમાં 3 હજાર ડાયમંડ છે. આ વાઘામાં થ્રીડી વર્ક, બિકાનેરી મીણો, પેઈન્ટિંગ મીણો, ફિલિગ્રી વર્ક અને એન્ટિક વર્ક કરવામાં આવ્યું છે. વાઘાને આકર્ષક બનાવવા માટે મીણા કારીગરીથી 24 જેટલા મોર ડિઝાઇન કરવામાં આવ્યા છે. આકર્ષક ડિઝાઇન બનાવવા માટે વાઘામાં દસથી પંદર વખત ફેરફાર કરવામાં આવ્યો હતો. વાઘામાં જયપુરી રોડિયમ લગાડવાને કારણે આ વાઘા આજીવન એટલા જ ચમકતા રહેશે.