સાળંગપુરધામમાં યોજાઈ હનુમાનજી મહારાજની દિવ્ય 'રાજોપચાર પૂજા', 1.50 લાખ ભક્તોએ દિવ્ય દર્શનનો લાભ લીધો

સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે રંગોત્સવ ઉજવાયો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 05 Mar 2026 02:48 PM (IST)Updated: Thu, 05 Mar 2026 02:48 PM (IST)
rajopachar-puja-and-rangotsav-at-sarangpur-kashtabhanjan-dev-hanumanji-temple
HIGHLIGHTS
  • હનુમાનજી મહારાજની દિવ્ય 'રાજોપચાર પૂજા' યોજાઈ
  • સાળંગપુરધામ શ્રી કષ્ટભંજન દેવ મંદિર ખાતે રંગોત્સવ
  • દેશ-વિદેશના 1.50 લાખ ભક્તોએ દર્શનનો લાભ લીધો

Botad: સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હોળી-ધુળેટી પર્વ નિમિત્તે 3 માર્ચ, મંગળવારના રોજ ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો. આ પાવન અવસરે પૂર્ણિમાના દિવસે દાદાને પંચરંગી વાઘા અને રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

દિવ્ય રાજોપચાર પૂજન અને સંધ્યા આરતી

મંગળવારે સાંજે 04:30 કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજોપચાર પૂજન આયોજિત કરવામાં આવ્યું હતું. આ પૂજનમાં દાદાને અદભૂત શણગાર અર્પણ કરવાની સાથોસાથ ફળ, પુષ્પ અને ડ્રાયફ્રુટ ધરવામાં આવ્યા તથા પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ સાંજે 6:30 કલાકે વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા દાદાની દિવ્ય સંધ્યા આરતી ઉતારવામાં આવી હતી. હજારોની સંખ્યામાં ભક્તોએ મંદિરમાં પ્રત્યક્ષ હાજર રહીને તેમજ ઓનલાઈન માધ્યમથી આ દિવ્ય દર્શનનો લાભ લઈને ધન્યતાનો અનુભવ કર્યો હતો.

naidunia_image

શું છે હનુમાન દાદાની દિવ્ય 'રાજોપચાર પૂજા'?

સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની રાજોપચાર પૂજાનું અનેરું મહત્વ છે. ભગવાન શ્રી રામના પરમ સેવક એવા હનુમાનજી મહારાજ એક રાજાની જેમ પોતાના ભક્તોના કષ્ટો અને દુઃખોને નિરંતર દૂર કરે છે. જે ઉપચાર કે ભક્તિથી રાજા પ્રસન્ન થાય છે, તેને 'રાજોપચાર પૂજા' કહેવામાં આવે છે.

હનુમાનજી મહારાજ શાસ્ત્રોમાં પારંગત છે અને વેદોના રહસ્યો જાણે છે, તેથી જ આ પૂજામાં સૌથી પહેલા ચારેય વેદના મંત્રો દાદાને સમર્પિત કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રાંતિક ભાષામાં લખેલા શાસ્ત્રો, પુરાણો અને ઉપનિષદોનો હૃદયપૂર્વક પાઠ કરવામાં આવે છે.

naidunia_image

રાજાની પસંદગી મુજબ હનુમાનજી મહારાજ સમક્ષ વિવિધ સંગીતના સાધનો વડે શાસ્ત્રીય સંગીત રજૂ કરવામાં આવે છે. દાદાને વિવિધ પ્રકારના વસ્ત્રો, આભૂષણો, સ્વાદિષ્ટ નૈવેદ્ય અને મંગલ નિરાજન સમર્પિત કરવામાં આવે છે. પૂજા દરમિયાન 100 કિલોથી વધુ ગુલાબની પાંખડીઓ વડે હનુમાનજી મહારાજ પર કરવામાં આવતી પુષ્પવર્ષા અત્યંત મનોહર હોય છે.

ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ

  • 51,000 કિલો ઓર્ગેનિક રંગ: આ ભવ્ય ઉત્સવમાં ગુલાબી, લાલ, પીળો અને નારંગી જેવા સાત કલરના 51,000 કિલો ઓર્ગેનિક રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
  • ભક્તો પર પુષ્પવર્ષા: 1000 કિલો મિક્સ ફૂલો, જેમાં ખાસ કરીને હજારી અને ગુલાબનો ઉપયોગ કરીને, ઉપસ્થિત ભક્તો પર ભવ્ય પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
  • 1.50 લાખથી વધુ ભક્તો ઉમટ્યા: હરિપ્રકાશદાસ સ્વામી, વિવેકસાગરદાસ સ્વામી અને શુકદેવ સ્વામી (ગોકુલધામ નાર) સહિત અનેક સંતોની પાવન ઉપસ્થિતિમાં દેશ-દુનિયામાંથી આવેલા 1.50 લાખથી વધુ ભક્તો એક સાથે દાદાના ભક્તિભાવના રંગે રંગાયા હતા.