PM નરેન્દ્ર મોદીના જન્મદિવસે સાળંગપુર હનુમાનજી મંદિરે દિવ્ય શણગાર: 11,111 દીવડા પ્રગટાવાયા

PM નરેન્દ્ર મોદીના જન્મદિવસે સાળંગપુર હનુમાનજી મંદિરે દિવ્ય શણગાર કરવામાં આવ્યો. 11,111 દીવડા પ્રગટાવી ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 17 Sep 2026 11:53 AM (IST)Updated: Thu, 17 Sep 2026 11:53 AM (IST)
pm-modi-birthday-salangpur-hanuman-temple-lights-11-111-lamps

Narendra Modi Birthday 2026: ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે વિશ્વપ્રસિદ્ધ સાળંગપુર સ્થિત શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને દિવ્ય શણગાર ધરાવીને ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. આ શુભ અવસરે દાદાને ગુલાબી અને સફેદ રંગના કમળના ફૂલોની મનોરમ ડિઝાઇન વાળા આકર્ષક વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા.

પાંચ પ્રમુખ તીર્થધામોના પ્રતીકો સાથે ગર્ભગૃહનું સુશોભન

દાદાના ગર્ભગૃહમાં અયોધ્યાનું શ્રી રામ મંદિર, સોમનાથ મંદિર, પાવાગઢ મંદિર, કેદારનાથ મંદિર તેમજ કાશી વિશ્વનાથ મંદિરના દિવ્ય પ્રતીકો સાથે રાષ્ટ્રની પ્રગતિ અને સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવતું વિશેષ સુશોભન કરવામાં આવ્યું હતું.

દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે વિશેષ પ્રાર્થના

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર વતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી અને શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા હનુમાનજી મહારાજના ચરણોમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. સ્વામીઓએ દાદા પાસે વડાપ્રધાન મોદી માટે ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને દેશસેવા માટે સદૈવ અસીમ ઊર્જા પ્રાપ્ત થતી રહે તેવા આશીર્વાદ માંગ્યા હતા.

11,111 દીવડાઓ સાથે 'આશીર્વાદનો દીવડો' અને શ્રમદાન

વડાપ્રધાન મોદીના જન્મદિનના પવિત્ર પ્રસંગે સેવા, સંકલ્પ અને સમર્પણ ભાવ સાથે સાંજે 5:00 કલાકે "આશીર્વાદનો દીવડો" અને શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાયજ્ઞ અંતર્ગત 11,111 દીવડાઓ પ્રગટાવીને ભવ્ય સમૂહ સંધ્યા આરતી કરવામાં આવશે.

આ દિવ્ય પ્રસંગે રાજકીય આગેવાનો, જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. મંદિર આયોજકો દ્વારા આ સેવાયજ્ઞમાં સહભાગી થવા માટે તમામ નાગરિકોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.