Boycott School: ગઢડાના કેરાળામાં દુર્ગંધના કારણે 5 દિવસથી મોટાભાગના વિદ્યાર્થીઓએ કર્યો શાળાનો બહિષ્કાર

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 01 Mar 2023 11:42 AM (IST)Updated: Wed, 01 Mar 2023 03:59 PM (IST)
most-of-the-students-boycotted-the-school-for-5-days-due-to-bad-smell-in-village-of-gadhada

Botad News: બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના કેરાળા ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં છેલ્લા પાંચ દિવસથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે ન આવતા હોવાનું સામે આવ્યું છે. શાળામાં હાલ અભ્યાસ કરતા બાળકોની નોંધાયેલી સંખ્યા 391 છે. પરંતુ 391 બાળકો પૈકી માત્ર 10 થી 15 જેટલા જ વિદ્યાર્થીઓ શાળાએ આવતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આજરોજ શાળામાં અભ્યાસ કરનારા કેટલાક વાલીઓ શાળાએ પણ પહોંચ્યા હતા.

શાળામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓના વાલીઓએ જણાવ્યું હતું કે, શાળાની આજુબાજુમાં મૃત પશુઓની ખાલી ઉતારવાનું કામ કરવામાં આવે છે. જેના કારણે શાળામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓને દુર્ગંધનો સામનો કરવો પડે છે. ત્યારે અગાઉ પણ વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવતા થોડા સમય માટે પશુઓની ખાલી ઉતારવાની કામગીરી રોકી દેવામાં આવી હતી. અગાઉ આ મામલે શાળા 18 દિવસ સુધી બંધ પણ રહી હતી. દુર્ગંધ આવવાના કારણે બાળકો બીમાર પડે છે જેના કારણે હાલ માતા-પિતા પોતાના બાળકોને શાળાએ મોકલવાનું ટાળી રહ્યા છે.

સમગ્ર મામલે શાળાના આચાર્ય વનરાજસિંહ ઝાલાએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા પાંચેક દિવસથી ગણ્યા ગાંઠિયા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ શાળાએ અભ્યાસ માટે આવે છે. તેમનો સંપર્ક સાધતા તેમના બાળકોને કોઈ અભ્યાસલક્ષી કે શાળામાં ભણાવનારા શિક્ષકલક્ષી પ્રશ્ન ન હોવાનું જાણવા મળ્યું છે. જોકે શા માટે બાળકો શાળાએ નથી આવી રહ્યા તે અંગે તેઓએ જવાબ આપવાનો સીધી રીતે ટાળ્યું હતું. ત્યારે હાલ તો બોટાદ જિલ્લાની ગઢડા તાલુકાની કેરાળા શાળામાં પરીક્ષા પૂર્વે જ રજાનો માહોલ હોય તેવું જણાઈ રહ્યું છે.

naidunia_image

ઉલ્લેખનીય છે કે અગાઉ દુર્ગંધ બાબતે તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆત પણ કરવામાં આવી હતી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર તેમને બોટાદ કલેકટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. તો કેટલાક વાલીઓ અને વિદ્યાર્થીઓ ગઢડા મામલતદાર કચેરી ખાતે ઉપવાસ ઉપર પણ બેઠા હતા. જોકે જે તે સમયે તંત્ર દ્વારા વાલીઓને સમજાવી બુજાવી મામલો થાળે પાડ્યો હતો.