Natrojarosite Mineral Kutch: કચ્છની જમીનમાંથી મળતું એક દુર્લભ ખનીજ હવે લાલ ગ્રહ એટલે કે મંગળ (Mars) ગ્રહની સપાટી અને તેના ઈતિહાસ વિશેની રહસ્યમય માહિતી મેળવવામાં અત્યંત મદદરૂપ સાબિત થઈ શકે છે. અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) અને IIT ગાંધીનગરના સંશોધકોએ કચ્છના માતાનો મઢ વિસ્તારમાંથી મળી આવતા 'નેટ્રોજારોસાઈટ' (Natrojarosite) નામના ખનીજ પર વિશેષ અભ્યાસ કર્યો છે. આ ખનીજ મંગળ પર મળતા ખનીજ જેવું જ હોવાથી તેના આધારે મંગળ ગ્રહની જમીન, ભૂતકાળમાં ત્યાં પાણીની હાજરી અને બદલાતી પર્યાવરણીય સ્થિતિઓ વિશે વધુ સચોટ માહિતી મેળવી શકાશે.
કચ્છથી મંગળ સુધી: સંશોધકોનો આઈઆઈટી અને પીએઆરએલ ખાતે અભ્યાસ
કચ્છના લખપત તાલુકાના માતાનો મઢ વિસ્તારમાંથી મેળવેલા નેટ્રોજારોસાઈટ ખનીજના નમૂનાઓને સંશોધકોએ પ્રયોગશાળામાં બારીકાઈથી તપાસ્યા હતા. સંશોધકોએ આ નમૂનાઓને અતિ બારીક કણોમાં તૈયાર કરીને વિશેષ ઉપકરણોમાં મૂકી જુદી જુદી દિશામાંથી પ્રકાશ ફેંકીને તે કેટલો પ્રકાશ પરાવર્તિત કરે છે તેનું ચોક્કસ માપન કર્યું હતું. આ પ્રક્રિયામાં દ્રશ્યમાન પ્રકાશની સાથે નજીકના ઈન્ફ્રારેડ પ્રકાશનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સંશોધકોએ અલગ-અલગ પરિસ્થિતિઓમાં ખનીજમાંથી કેટલો પ્રકાશ પાછો ફરે છે તેની નોંધ સાથે એક વિશાળ ડેટાબેઝ તૈયાર કર્યો છે. આ ડેટાની મદદથી મંગળ ગ્રહ પરથી ભવિષ્યમાં કે હાલમાં મળતા પ્રકાશના આંકડાઓની સરખામણી કરી શકાશે.
મંગળ પર જારોસાઈટ ખનીજનું મહત્વ અને સંશોધનના મુખ્ય તારણો
જાતિ અને પરિવાર:
કચ્છમાંથી મેળવેલા નમૂનાની તપાસ કરતા તેમાં નેટ્રોજારોસાઈટ ખનીજ હોવાની પુષ્ટિ થઈ છે, જે મંગળ પર મળતા 'જારોસાઈટ' પરિવારનું જ એક સ્વરૂપ છે.
પ્રકાશનું પરાવર્તન:
ખનીજ પર પ્રકાશ નાખવામાં આવે ત્યારે તે દરેક દિશામાં સરખો પ્રકાશ પાછો ફેંકતું નથી, કયા ખૂણેથી પ્રકાશ પડે છે તેના આધારે પરાવર્તનમાં ફેરફાર જોવા મળ્યો છે.
કણોનું કદ:
ખનીજના કણોનું કદ નાનું કે મોટું હોય તો તેના પર પડતા પ્રકાશના પરાવર્તનમાં પણ મોટો ફેરફાર થાય છે.
પાણીની હાજરીના સંકેત:
પૃથ્વી પર આ પ્રકારના ખનીજો મુખ્યત્વે પાણી અને ખડકો વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાઓથી બને છે. તેથી આ અભ્યાસ પરથી મંગળ પર ભૂતકાળમાં પાણી હતું કે નહીં તે સમજવામાં વૈજ્ઞાનિકોને મોટી મદદ મળશે.
