Kutch: કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના મદનપુરા ગામમાં ઘરકંકાશનો કરૂણ અંજામ આવ્યો છે. જેમાં શ્રમિક દંપતી વચ્ચે રસોઈ બાબતે માથાકૂટ થયા બાદ આવેશમાં આવેલી પત્નીએ નાની પુત્રી સાથે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ છોટા ઉદેપુર જિલ્લાના તરગઈ ગામના સંદિપ શાંતિલાલ નાયક (19) પોતાની પત્ની કૈલાશ અને 9 માસની દીકરી સુહાની સાથે માંડવી તાલુકાના મદનપુરા ગામમાં રહેતા હતા. જ્યાં તેઓ વાડીમાં ખેત મજૂર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
સોમવારે બપોરના સમયે સંદિપ અને કૈલાશ વચ્ચે રસોઈ બનાવવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બાબતનું મનમાં લાગી આવતા આવેશમાં આવીને કૈલાશે પાકમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવ્યા બાદ સુહાનીને પણ દવા પીવડાવી દીધી હતી.
ઝેરની અસરના કારણે માતા-પુત્રીની તબિયત લથડતાં તાત્કાલિક બન્નેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર પોલીસે બન્ને માતા-પુત્રીને મૃત જાહેર કર્યાં હતા.
બીજી તરફ આ બનાવની જાણ થતાં કોડાય પોલીસ મથકની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં પોલીસે માતા-પુત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
