Kutch: રુપાલાના વિરોધની આગ કચ્છ પહોંચી, પ્રચાર અર્થે નીકળેલા ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડા ક્ષત્રિયોના રોષનો ભોગ બન્યા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 07 Apr 2024 07:45 PM (IST)Updated: Mon, 08 Apr 2024 08:28 AM (IST)
kutch-news-kshtriya-leader-protest-bjp-candidate-vinod-chavda-during-election-campaign

Kutch: રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિયોના આ વિરોધની આગ હવે કચ્છ સુધી પહોંચી છે. જેમાં રુપાલાની સાથે-સાથે હવે કચ્છ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

આજે કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાનો કાર્યક્રમ નિર્ધારિત હતો. જો કે ક્ષત્રિય સમાજ દ્વારા આ કાર્યક્રમનો વિરોધ કરવામાં આવ્યો હતો. ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા પરષોત્તમ રુપાલા વિરુદ્ધ સુત્રોચાર કર્યા હતા. આ દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે કચ્છ પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કચ્છના અનેક ભાગોમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ નેતા પરષોત્તમ રુપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો. ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે, પરષોત્તમ રુપાલાને રાજકોટ લોકસભા બેઠક પરથી હટાવવામાં આવે. ક્ષત્રિય સમાજના આંદોલનને રોકવા માટે ભાજપ દ્વારા ડેમેજ કન્ટ્રોલના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

અગાઉ અમદાવાદના ગોતા ખાતે ભાજપ નેતાઓ અને ક્ષત્રિય આગેવાનો વચ્ચે મળેલી બેઠક નીવડી હતી. દોઢેક કલાક ચાલેલી આ બેઠકના અંતે ક્ષત્રિય સમાજના આગેવાનોએ રૂપાલાને રાજકોટમાં હટાવ્યા સિવાય કોઈ વાત મંજૂર ના હોવાનું સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધુ હતુ.