Kutch: કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના બીદડા ગામે પ્રેમલગ્નનો કરૂણ અંજામ સામે આવ્યો છે, જેમાં યુવતીને ભગાડી જનારા યુવકના પિતાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. યુવતીના પરિવારજનો લાકડી-ધોકા લઈને યુવકના વૃદ્ધ પિતા પર તૂટી પડ્યા હતા. જેમાં તેમનું મોત નિપજ્યું છે.
હકીકતમાં મૃતક લધાભાઈ સંઘારનો પુત્ર રાજેશ આજથી થોડા મહિના પહેલા જ ગામમાં રહેતી પોતાના જ સમાજની યુવતીને ભગાડીને લઈ ગયો હતો. જે બાદ બન્ને જણાએ પરિવારની મરજી વિરુદ્ધ કોર્ટ મેરેજ કરી લીધા હતા.
આ મામલે ગત 3 જાન્યુઆરીના રોજ યુવતીના પરિવારજનોએ બીદડા આઉટ પોસ્ટ ખાતે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે લૉકેશન ટ્રેક કરીને બન્ને પ્રેમી પંખીડાને વાપીમાં શોધી કાઢ્યા હતા. જો કે તેમની પાસે તમામ પ્રકારના લગ્નની નોંધણી સહિતના પુરાવા હોવાથી પોલીસે અટક નહતી કરી. આ ઘટનાને લઈને બન્ને પરિવાર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મનદુખ ચાલતું હતુ.
આજથી બે દિવસ પહેલા 27 માર્ચની સાંજે લધાભાઈ બીદડા ગામના બસ સ્ટેશન નજીકની હોટલ પર બેઠા હતા. આ સમયે યુવતીના પરિવારજનો લાકડી-ધોકા લઈને આવ્યા હતા અને લધાભાઈ કંઈ સમજે તે પહેલા તેમના પર તૂટી પડ્યા હતા. આ હુમલામાં ઈજાગ્રસ્ત લધાભાઈને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આજે તેમનું મોત નિપજ્યું હતુ.
આ મામલે પોલીસે યુવતીની માતા વીરબાઈ સાકરિયા, તેમના સાસુ સોનબાઈ સહિત 3 મહિલા અને એક યુવક વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
