Kutch News: કચ્છના દરિયાઈ વિસ્તારમાં જખૌ નજીક આવેલા સંવેદનશીલ ખિદરત ટાપુ પર પાસ-પરમીટ અને સક્ષમ અધિકારીની મંજૂરી વગર પ્રવેશ કરનારા 5 માછીમારોને પોલીસે ઝડપી પાડ્યા છે. જખૌ મરીન પોલીસ અને પશ્ચિમ કચ્છ SOG ટીમની સંયુક્ત કાર્યવાહી દરમિયાન માછીમારીની 'અજમેરી-26' નામની બોટ પણ પોલીસના ધ્યાને આવી હતી.
SOG અને મરીન પોલીસની સંયુક્ત કાર્યવાહી
પ્રાપ્ત માહિતી અનુસાર, જખૌના દરિયાઈ વિસ્તારમાં આવેલા ખિદરત ટાપુ પર 5 શખ્સો શંકાસ્પદ રીતે પહોંચ્યા હોવાની વિગતો સામે આવી હતી. આ માહિતીના આધારે જખૌ મરીન પોલીસ અને પશ્ચિમ કચ્છ SOG ટીમે સંયુક્ત તપાસ અને કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, પાંચેય વ્યક્તિ જરૂરી પાસ-પરમીટ અને સક્ષમ અધિકારીની અધિકૃત મંજૂરી વગર ટાપુ પર પહોંચ્યા હતા.
ટાપુ પર ત્રણ અને બોટ પાસે 2 શખ્સો ઝડપાયા
પોલીસની કાર્યવાહી દરમિયાન ખિદરત ટાપુ પર ઉતરેલા 3 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 2 શખ્સો માછીમારીની બોટ પાસે નજર રાખતા મળી આવ્યા હતા. આમ, પોલીસે કુલ 5 વ્યક્તિને ઝડપી પાડ્યા હતા. આ મામલે 'અજમેરી-26' નામની માછીમારીની બોટ પણ પોલીસના ધ્યાને આવી હતી. પોલીસે બોટ અને તેમાં સવાર વ્યક્તિ અંગે જરૂરી તપાસ હાથ ધરી છે.
જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાના ભંગ કાર્યવાહી
ખિદરત ટાપુ સંવેદનશીલ દરિયાઈ વિસ્તારમાં આવેલો હોવાથી ત્યાં પ્રવેશ માટે જરૂરી પાસ-પરમીટ અને સક્ષમ અધિકારીની મંજૂરી મેળવવી ફરજિયાત છે. તેમ છતાં મંજૂરી વગર ટાપુ પર પહોંચેલા પાંચેય શખ્સો સામે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કચ્છનો દરિયાઈ વિસ્તાર સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાસ કરીને સંવેદનશીલ ટાપુઓ પર અનધિકૃત પ્રવેશ અટકાવવા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવે છે.
