Kutch News: કચ્છના સૂરજબારી ટોલ ટેક્સ નજીક મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં એક પ્રાઇવેટ AC વોલ્વો બસમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. જોકે, બસના ડ્રાઇવરની સમયસૂચકતા અને સતર્કતાને કારણે બસમાં સવાર 15થી 18 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી.
શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન
પ્રાથમિક માહિતી મુજબ, આ બસ ભુજથી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે તેમાં આગ લાગી હતી. અનુમાન છે કે બસના AC વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ ભીષણ આગ લાગી હતી. જેવી બસમાં આગ લાગવાની શરૂઆત થઈ, કે તરત જ ડ્રાઇવરે પરિસ્થિતિ પારખી લીધી હતી. તેણે સમયનો વ્યય કર્યા વિના તુરંત જ બસ રોકાવી દીધી અને તમામ મુસાફરોને ઝડપથી બહાર કાઢ્યા. આ તાત્કાલિક કાર્યવાહીને કારણે તમામ મુસાફરો સુરક્ષિત રીતે બસમાંથી ઉતરી ગયા હતા અને કોઈને ઈજા પહોંચી નહોતી.
ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો
આ ઘટનાની જાણ થતાં જ સૂરજબારી ટોલટેક્સના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મુસાફરોની મદદ કરીને રાહત કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ ભચાઉ ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા તેઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. ફાયર ફાઇટરોની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ એટલી વિકરાળ હતી કે ત્યાં સુધીમાં સમગ્ર બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી અને માત્ર તેનું હાડપિંજર જ બાકી રહ્યું હતું.