Kutch Food Safety Raid: આગામી તહેવારોની સિઝનમાં નાગરિકોના આરોગ્ય અને સ્વાસ્થ્યની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને કચ્છ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) દ્વારા સમગ્ર જિલ્લામાં સઘન ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તહેવારો દરમિયાન બજારમાં ફરસાણ અને મીઠાઈઓની માંગમાં થતા ધરખમ વધારાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ આક્રમક પગલું ભરવામાં આવ્યું છે.
અંકલેશ્વરથી ભુજ સુધી તંત્ર સક્રિય
ફૂડ સેફ્ટી ઓફિસર એસ. બી. પટેલ અને એમ. એમ. પટેલની સંયુક્ત ટીમ દ્વારા કચ્છના ત્રણ મહત્વના તાલુકાઓ—અંજાર, મુંદ્રા અને ભુજના વિવિધ વિસ્તારોમાં આવેલી વેપારી પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. તહેવારોમાં સૌથી વધુ વેચાતી મીઠાઈઓ અને ફરસાણની દુકાનો તેમજ ઉત્પાદન એકમો પર અધિકારીઓએ ઓચિંતી તપાસ હાથ ધરી હતી.

60 ખાદ્ય પદાર્થોના સેમ્પલ સીઝ
આ ખાસ ડ્રાઇવ દરમિયાન ફૂડ સેફ્ટી ટીમે બજારમાંથી કુલ 60 જેટલા ખાદ્ય પદાર્થોના સેમ્પલ્સ એકત્રિત કર્યા છે. આ તમામ સેમ્પલ્સને એનાલિસિસ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
જે વાનગીઓના સેમ્પલ લેવાયા તેમાં મુખ્યત્વે-
- ફરસાણ: ફાફડા, ગાંઠિયા, ભાવનગરી ગાંઠિયા, સેવ, બુંદી.
- મીઠાઈઓ: જલેબી, લાડુ સહિતની વિવિધ પરંપરાગત વાનગીઓ.
નોંધ: લેબોરેટરી તરફથી ચકાસણી રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કે અમાનક (Sub-standard) ગુણવત્તા જણાશે તો સંબંધિત ધંધાર્થી સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વેપારીઓ સાથે માર્ગદર્શક બેઠક યોજાઈ
તંત્ર દ્વારા માત્ર દંડાત્મક કાર્યવાહી કરવાને બદલે વેપારીઓમાં શુદ્ધતા અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તે માટે વિશેષ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. વેપારી એસોસિએશનો અને અગ્રણી ધંધાર્થીઓને કડક તાકીદ કરવામાં આવી છે. જે અંતર્ગત, ઉત્પાદન અને વેચાણ સ્થળે ઉચ્ચ કક્ષાની સ્વચ્છતા જાળવવી. અશુદ્ધ કે વાસી કાચા માલનો ઉપયોગ ન કરવો. અને ગ્રાહકોને ગુણવત્તાસભર અને તાજી ખાદ્ય સામગ્રી જ પૂરી પાડવી.
આરોગ્ય સાથે ચેડાં કરનારા સામે તંત્રની ચીમકી
કચ્છ FDCA વિભાગે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં અને તહેવારો દરમિયાન પણ આ પ્રકારે આકસ્મિક ચેકિંગ ચાલુ રહેશે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વેપારી કે અસામાજિક તત્વો સામે કોઈ પણ પ્રકારની શેહ-શરમ રાખ્યા વગર કડકમાં કડક કાનૂની પગલાં લેવાશે.
