કચ્છમાં ₹8.46 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ, 9 રાજ્યોમાંથી 13 આરોપી ઝડપાયા

આ કૌભાંડમાં કુલ 211 જેટલા ટ્રાન્જેક્શન મારફતે કુલ રૂપિયા 8.46 કરોડની ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 10 Nov 2026 11:47 PM (IST)Updated: Tue, 10 Nov 2026 11:47 PM (IST)
kutch-cyber-fraud-8-crore-peculation-scam-13-accused-arrested

Kutch Cyber Crime: પૂર્વ કચ્છ પોલીસે સાયબર માફિયાઓ સામે મેગા ઓપરેશન હાથ ધરીને રૂ. 8.46 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ સમગ્ર કૌભાંડના તાર કચ્છથી લઈને દેશના અલગ-અલગ 9 રાજ્યો સુધી ફેલાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પૂર્વ કચ્છ પોલીસની સરાહનીય કામગીરીથી સાયબર ઠગોના આખા નેટવર્કમાં ભારે હડકંપ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સાયબર ઠગોએ અત્યાધુનિક મોડસ ઓપરેન્ડી અપનાવીને યશ બેંકના ખાતામાંથી કરોડો રૂપિયાની ઉચાપત કરી હતી. આ કૌભાંડમાં કુલ 211 જેટલા શંકાસ્પદ ટ્રાન્જેક્શન કરવામાં આવ્યા અને તેના મારફતે કુલ રૂપિયા 8.46 કરોડની માતબર રકમની ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હતી.

પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સ અને કાયદાકીય તપાસના આધારે દેશભરમાં ફેલાયેલા નેટવર્કની કડીઓ મેળવવામાં આવી હતી. આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પૂર્વ કચ્છ પોલીસની ટીમોએ દેશના 9 અલગ-અલગ રાજ્યોમાં એક સાથે દરોડા અને તપાસની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઓપરેશન દરમિયાન સાયબર ઠગાઈ આચરનાર કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. આ ઉપરાંત, પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને છેતરપિંડીના નાણાંમાંથી રૂ. 3.82 કરોડથી વધુની રકમ વિવિધ બેંક ખાતામાં ફ્રિઝ પણ કરાવી છે, જેથી ઠગો તેનો ઉપયોગ ન કરી શકે. હાલમાં પૂર્વ કચ્છ પોલીસ આ નેટવર્કમાં સંડોવાયેલા અન્ય વોન્ટેડ શખ્સોને પકડવા માટે વધુ સઘન તપાસ ચલાવી રહી છે.