Kutch: છેલ્લા 36 કલાકથી કચ્છ પર સ્થિર થયેલા ડીપ ડિપ્રેશનના કારણે જિલ્લામાં સાર્વત્રિક મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ખાસ કરીને માંડવીને તો મેઘરાજાએ રીતસરનું ઘમરોળી નાંખ્યું છે. વીતેલા 24 કલાકમાં 18 ઈંચ વરસાદ વરસતા જનજીવન ઠપ્પ થઈ ગયું છે.
માંડવીના પોશ વિસ્તારમાં ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કચ્છમાં ગઈકાલે આખી રાત તોફાની પવન સાથે ભારે વરસાદ વરસ્યા બાદ આજે સવારથી માત્ર સુસવાટા મારતો પવન જ ફૂંકાવા સાથે ઝરમર વરસાદ વરસી રહ્યો છે.
કચ્છ જિલ્લાના માંડવીમાં ચક્રવાતની અસર તળે પવનની તીવ્રતામાં હજુ પણ વધારો થઈ રહ્યો છે. વહેલી સવારે ડીપ ડિપ્રેશન નલિયાથી પશ્ચિમ-ઉત્તર કાંઠા વિસ્તારમાં 50 કિ.મી દૂર આગળ વધ્યું હતુ.
જો કે ભારત-પાકિસ્તાન નજીક પહોંચેલું ડીપ ડીપ્રેશન સાયક્લોનમાં ફેરવાઈને દરિયામાં વધુ મજબૂત બનીને ઓમાન તરફ આગળ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે માંડવીમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તેમજ ધારાસભ્ય અનિરુદ્ધ દવે, SDRF, NDRF તેમજ સેનાના જવાનો દ્વારા વિવિધ વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે.
માંડવીમાં ચક્રવાતની અસર: 24 કલાકમાં 18 ઈંચ વરસાદથી જનજીવન ઠપ્પ, મકાનોના પહેલા માળ પાણીમાં ડૂબ્યા pic.twitter.com/IXVrJ072T3
— Gujarati Jagran (@gujaratijagran) August 30, 2024
અત્યાર સુધીમાં આર્મીની ટીમ દ્વારા 100થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બોટ મારફતે પણ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. આ સાથે જ નગર પાલિકાના નગર સેવકો તેમજ ધારાસભ્ય દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે હજુ 2 દિવસ સુધી લોકોને જરૂર ના હોય તો ઘરની બહાર ના નીકળવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે.
અનેક ઠેકાણે લોકોના ઘરમાં પહેલા માળ સુધી પાણી ભરાયા છે, તો સેંકડો વાહનો પણ તણાઈ રહ્યા છે. લોકોની સેવા માટે આર્મીની ટીમ સતત ખડેપગે રહી છે. અત્યાર સુધીમાં કોઈ અનિચ્છનિય બનાવ ના બન્યો હોવાના અહેવાલ છે.
