Bhuj Murder Case: કચ્છના ભુજ રેલ્વે સ્ટેશન પર નજીવી બાબતે થયેલી તકરારે લોહિયાળ સ્વરુપ ધારણ કર્યો હતો. જેમાં એક પરપ્રાંતિય યુવકની ઘાતકી હત્યા કરી દેવાઈ છે. રેલ્વે સ્ટેશન પર પૂછપરછ કરી રહેલા એક યુવક સાથે એક શખ્સે ઝઘડો કરીને લોખંડનો સળિયો માથા પર ફટકારી દેતાં ભયાનક હત્યાકાંડ સર્જાયો હતો. દિનદહાડે બનેલી ઘટનાથી રેલ્વે સ્ટેશન પરિસરમાં અફરાતફરી સર્જાઈ હતી.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, એક પરપ્રાંતિય યુવક ભુજ રેલ્વે સ્ટેશન પર પહોંચ્યો હતો. તે ત્યાં હાજર લોકો પાસે સુરત જતી ટ્રેન ક્યારે ઉપડશે તે અંગે પૂછી રહ્યો હતો. તે દરમિયાન ત્યાં ઉભેલા એક શખ્સ સાથે કોઈ બાબતે તેની ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો ઉગ્ર બની ગયો હતો. તેમજ ગુસ્સે ભરાયેલા આરોપીએ આવેશમાં આવી જઈને પરપ્રાંતિય યુવકના માથા પર લોખંડના સળિયાનો ઘા ઝીંકી દીધો હતો.
યુવકની દિનદહાડે હત્યા
હુમલો ખૂબ જ હિચકારો હતો કે, યુવક ત્યાં જ પ્લેટફોર્મ પર લોહિયાળ અવસ્થામાં ઢળી ગયો હતો. તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ રેલ્વે પોલીસેનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સમયસૂચકતા વાપરીને આરોપી નાસી જાય તે પહેલા જ ઝડપી લીધો હતો. ત્યારબાદ મૃતકના શબનો કબજો મેળવી પંચનામુ કરી પીએમ અર્થે હોસ્પિટલે ખસેડ્યો હતો.
પુરાવાઓ એકત્ર કરીને કાર્યવાહી
હાલ સમગ્ર મામલે રેલ્વે પોલીસે ગુનો નોંધીને આરોપી શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી છે. તેમજ યુવકે હત્યામાં લીધેલો લોખંડનો સળિયો પણ કબજે કર્યો હતો. પ્રત્યદર્શીઓના નિવેદનો નોંધીને જરુરી પુરાવાઓ એકત્ર કરીને વધુની કાર્યવાહી શરુ કરી છે.
