કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ; કુલ 8 દબાણો દૂર કરાયાં, 3.13 કરોડથી વધુની જમીન દબાણમુક્ત

કચ્છ વહીવટીતંત્રે રૂ. 3.13 કરોડથી વધુ કિંમતની કુલ 20,226 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરાવી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ કરાઈ છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 25 Oct 2026 03:15 PM (IST)Updated: Sun, 25 Oct 2026 03:15 PM (IST)
bhuj-news-kutch-administration-removes-8-illegal-encroachments-in-two-days

Bhuj News: કચ્છ જિલ્લામાં સરકારી જમીન અને જાહેર મિલકતોને ગેરકાયદેસર દબાણોથી મુક્ત કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 24 અને 25 ઓક્ટોબર 2026ના રોજ જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરીને જિલ્લાના વિવિધ તાલુકામાંથી 8 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ દબાણો દૂર કરીને કુલ 20,226 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરાવવામાં આવી છે. આ જમીનની અંદાજિત કિંમત રૂ. 3.13 કરોડ જેટલી થાય છે.

આ ઝુંબેશ હેઠળ દૂર કરાયેલા કુલ 8 દબાણોમાં 2 ધાર્મિક, 4 વાણિજ્યિક તથા 2 અન્ય પ્રકારનાં દબાણોનો સમાવેશ થાય છે. દબાણમુક્ત કરાવવામાં આવેલી જમીનમાં 8,110 ચોરસ મીટર ધાર્મિક, 3,269 ચોરસ મીટર વાણિજ્યિક તથા 8,847 ચોરસ મીટર અન્ય પ્રકારની જમીનનો સમાવેશ થાય છે.

તાલુકાવાર કામગીરીમાં અંજાર તાલુકામાં સૌથી વધુ 3 દબાણો દૂર કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત રાપર તાલુકામાં 2, જ્યારે ભુજ, નખત્રાણા અને અબડાસા તાલુકામાં એક-એક દબાણ દૂર કરવામાં આવ્યું છે. અંજાર તાલુકામાં કુલ 9,866 ચોરસ મીટર, રાપર તાલુકામાં 9,000 ચોરસ મીટર, ભુજ તાલુકામાં 450 ચોરસ મીટર, નખત્રાણા તાલુકામાં 400 ચોરસ મીટર અને અબડાસા તાલુકામાં 510 ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરાવવામાં આવી છે.

સમગ્ર દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કામગીરી શાંતિપૂર્ણ અને સુચારુ રીતે પૂર્ણ થાય તે હેતુથી પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગના સંકલન સાથે સમગ્ર કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.

કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરકારી જમીનનું સંરક્ષણ કરવા, જાહેર મિલકતોનું જતન સુનિશ્ચિત કરવા અને ગેરકાયદેસર દબાણો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આવી ઝુંબેશ આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.