Bhuj Police Constable Bribe: કચ્છ જિલ્લાના ભુજ નજીક આવેલ કોડાય પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિપુલ ચૌધરીને ગુજરાત ACB ટીમે લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આરોપીએ ફરિયાદી પાસેથી સીઝ કરેલા ટ્રક મુક્ત કરવાના બદલે 2 લાખની લાંચ માંગી હતી. જોકે, સફળ ટ્રેપ દરમિયાન ACB દ્વારા આરોપી હેડ કોન્સ્ટેબલ પાસેથી લાંચની સમગ્ર રકમ કબજે કરવામાં આવી છે.
ગુજરાત ACB દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, હેડ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાવનાર નાગરિકના ખનીજ ભરેલા આઈસર ડમ્પ ટ્રકો કોડાય પોલીસ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 35 હેઠળ સીઝ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી અંગેની સત્તાવાર જાણ ભુજ ખાતેની ભૂસ્તરશાસ્ત્રી કચેરી અને સંબંધિત કોર્ટને કરવામાં આવી હતી.
આ પણ વાંચો
ત્યારબાદ વાહન માલિક ફરિયાદીએ ભુજના ભૂસ્તરશાસ્ત્રી અને માંડવી કોર્ટમાંથી ડમ્પરો મુક્ત કરવા માટે કાયદેસરના હુકમો પણ મેળવી લીધા હતા. જ્યારે ફરિયાદી કાયદેસરના હુકમ સાથે કેસના તપાસનીશ અધિકારી હેડ કોન્સ્ટેબલ વિપુલ ચૌધરી પાસે પોતાના વાહનો મુક્ત કરાવવા અને ચાવીઓ મેળવવા પોલીસ સ્ટેશને ગયા, ત્યારે આરોપીએ કાયદેસરના ઓર્ડર હોવા છતાં વાહનો છોડવા બદલ રૂપિયા 2 લાખની માંગણી કરી હતી.
ફરિયાદી અને આરોપી વચ્ચે વાટાઘાટો બાદ લાંચની રકમ ઘટાડીને 1 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. ફરિયાદીએ પ્રથમ 30 હજાર રૂપિયા રોકડા આપી દીધા હતા, જ્યારે બાકીના 70 હજાર રૂપિયા ચાવીઓ સોંપતી વખતે આપવાનું નક્કી થયું હતું. જોકે, લાંચની રકમ આપવા ન માંગતા હોવાથી ફરિયાદીએ તુરંત ભુજ ACB કચેરીનો સંપર્ક સાધી વિપુલભાઈ ચૌધરી વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે ભુજ ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર જે.જે. ચૌધરી અને તેમની ટીમે ટ્રેપ ગોઠવી હતી. જ્યારે ફરિયાદી બાકીના 70,000 રૂપિયા આપવા પહોંચ્યા ત્યારે ACB ટીમે આરોપી વિપુલભાઈ ચૌધરીને લાંચની રકમ સ્વીકારતા સ્થળ પર જ દબોચી લીધા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
