Kutch Road Accident: કચ્છ જિલ્લામાં ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર મોડી રાત્રે ટ્રેલર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. પ્રાથમિક અહેવાલ મુજબ, કારમાં સવાર એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા છે, જેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ હતા. અકસ્માત બાદ રસ્તા પર મૃતદેહ વેરવિખેર હાલતમાં જોવા મળતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ટ્રેલર અને કાર વચ્ચે જોરદાર ટક્કર
મળતી માહિતી મુજબ, ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર આજે 21 નવેમ્બર, શનિવારે મોડી રાત્રે ટ્રેલર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. બંને વાહનો વચ્ચે થયેલી ટક્કર એટલી ભયાનક હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારને ભારે નુકસાન પહોંચ્યું હતું.
એક જ પરિવારના 5 સભ્યોના મોત
પ્રાથમિક માહિતી અનુસાર, કારમાં એક જ પરિવારના સભ્યો સવાર હતા. આ અકસ્માતમાં નાના બાળકો અને મહિલા સહિત 5 થી વધુ લોકોના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અકસ્માતની ગંભીરતા દર્શાવતા હૃદયદ્રાવક દ્રશ્યો પણ સામે આવ્યા છે. રસ્તા પર મૃતદેહ વેરવિખેર હાલતમાં જોવા મળતા લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
અકસ્માતથી સમગ્ર પંથકમાં ચકચાર
ભુજ-ખાવડા હાઈવે પર બનેલી આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જોકે, અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ચોક્કસ સંખ્યા, તેમની ઓળખ અને અકસ્માતનું કારણ સહિતની વિગતો હજુ સત્તાવાર રીતે સ્પષ્ટ થઈ નથી. વધુ વિગતો સામે આવ્યા બાદ જ સમગ્ર ઘટનાની સ્થિતિ સ્પષ્ટ થશે.
