Western Railway: પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવતા ઓખા સ્ટેશન પર તાત્કાલિક એન્જિનિયરિંગ કાર્ય હાથ ધરવામાં આવનાર હોવાથી, ભાવનગર–ઓખા એક્સપ્રેસ ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મુસાફરોને આ સમય દરમિયાન ટ્રેનની સ્થિતિ ચકાસીને જ પ્રવાસનું આયોજન કરવા વિનંતી કરવામાં આવી છે.
ક્યારે અને શા માટે ફેરફાર?
રેલવે પ્રશાસન દ્વારા 5 અને 6 નવેમ્બર, 2025ના રોજ ઓખા સ્ટેશન પર LC નંબર 313ના LHS પર ગર્ડર લોન્ચિંગનું અગત્યનું ઇજનેરી કાર્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ કાર્યને સલામતીના પગલાં તરીકે ધ્યાનમાં લઈને, ટ્રેનોને શૉર્ટ ટર્મિનેટ અને શૉર્ટ ઓરિજિનેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ફેરફાર થયેલી ટ્રેનોની વિગતો
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ આ અંગેની સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે:
- ટ્રેન નંબર 19209 (ભાવનગર–ઓખા એક્સપ્રેસ), 4 અને 5 નવેમ્બર, 2025નાં રોજ આ ટ્રેન દ્વારકા સ્ટેશન પર જ પોતાનો પ્રવાસ સમાપ્ત કરશે. એટલે કે, તે દ્વારકાથી ઓખા વચ્ચે રદ રહેશે.
- ટ્રેન નંબર 19210 (ઓખા–ભાવનગર એક્સપ્રેસ), 5 અને 6 નવેમ્બર, 2025નાં રોજ આ ટ્રેન દ્વારકા સ્ટેશનથી જ ભાવનગર માટે પોતાનો પ્રવાસ પ્રારંભ કરશે. એટલે કે, ઓખાથી દ્વારકા વચ્ચે તે રદ રહેશે.
ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ મુસાફરોને તાજી માહિતી મેળવવા માટે ખાસ વિનંતી કરી છે- "મુસાફરોને વિનંતી છે કે તેઓ નિર્ધારિત તારીખોમાં મુસાફરી પહેલાં ગાડીઓની સ્થિતિ અને સમય સંબંધિત તાજી માહિતી માટે NTES એપ અથવા ભારતીય રેલવેની અધિકૃત વેબસાઇટ પરથી અવશ્ય માહિતી મેળવી લે. આરક્ષિત મુસાફરોને આ બદલાવ અંગેની જાણ SMS એલર્ટ દ્વારા આપવામાં આવશે.
રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોના સહકારની અપેક્ષા રાખવામાં આવી છે અને અનિવાર્ય કાર્યને કારણે થતી કોઈપણ અસુવિધા માટે ખેદ વ્યક્ત કરવામાં આવ્યો છે.
