ભાવનગરના ઇતિહાસમાં પ્રથમ વખત: મનપાની શિક્ષણ સમિતિના હજારો વિદ્યાર્થીઓને મળશે 'કોમન આઇ-કાર્ડ'

બડમલીયાએ જણાવ્યું હતું કે, ખાનગી શાળાઓની જેમ હવે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પણ પોતાના બાળકોને કોમન આઇ-કાર્ડ આપશે, જે ભાવનગરના ઇતિહાસમાં પ્રથમ વખત થવા જઈ રહ્યું છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 14 Dec 2025 11:31 AM (IST)Updated: Sun, 14 Dec 2025 11:31 AM (IST)
thousands-of-students-of-bhavnagar-will-get-common-id-cards-decision-of-education-committee

Bhavnagar News: ભાવનગર મહાનગરપાલિકા (Bhavnagar Municipal Corporation - BMC) સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સમિતિની 68 જેટલી શાળાઓમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની ઓળખ નિશ્ચિત કરવાના હેતુસર તેમને કોમન આઇ-કાર્ડ (Common I-Card) આપવાનો નિર્ણય કરાયો છે. જોકે, આ પ્રોજેક્ટ માટે શરૂઆતમાં ફાળવેલા બજેટમાં ઘટ પડતા મહાનગરપાલિકા પાસેથી વધુ નાણાંની માંગણી કરવામાં આવી છે, જેને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી દીધી છે.

આઇ-કાર્ડ માટે 15 લાખનું બજેટ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી મુંજાલ બડમલીયાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સમિતિના વર્ષ 2025-26ના બજેટમાં દરેક વિદ્યાર્થીઓને કોમન આઇ-કાર્ડ મળી રહે તે માટે શરૂઆતમાં રૂપિયા 10 લાખની જોગવાઈ સાથે આયોજન કરવામાં આવ્યું હતું.

જોકે, ચાલુ વર્ષે બાળકોની સંખ્યા વધીને 30,000 જેટલી થઈ ગઈ છે. બાળકોને દોરી અને પ્લાસ્ટિક સાથેનું સારી ગુણવત્તાવાળું આઇ-કાર્ડ આપવાનું આયોજન હોવાથી, એક આઇ-કાર્ડની કિંમત આશરે 50 લેખે કુલ ખર્ચ 15 લાખ થવા જાય છે. પરિણામે, બજેટમાં 5 લાખની ઘટ પડી હતી.

સ્ટેન્ડિંગ કમિટીએ આપી મંજૂરી

આ ઘટની રકમને મંજૂર કરવા માટે શિક્ષણ સમિતિ દ્વારા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેને કમિટી દ્વારા મંજૂરી મળી ગઈ છે. બડમલીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ખાનગી શાળાઓની જેમ હવે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પણ પોતાના બાળકોને કોમન આઇ-કાર્ડ આપશે, જે ભાવનગરના ઇતિહાસમાં પ્રથમ વખત થવા જઈ રહ્યું છે. આગામી દિવસોમાં દરેક વિદ્યાર્થીને તેની ઓળખ પૂરી પાડતું એક કોમન આઇ-કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડમાં વિદ્યાર્થીનું નામ, સરનામું અને શાળાનું નામ સ્પષ્ટપણે દર્શાવવામાં આવશે, જે બાળકોની ઓળખ નિશ્ચિત કરવામાં મદદરૂપ થશે.