આવા સરપંચ ભાગ્યશાળીને જ મળે! સોનપરી પંચાયતમાં મરણ સહાયથી લઈ વન કવચ અને મફત ઝેરોક્ષ સુધી, જુઓ તુષાર મેરના ક્રાંતિકારી કાર્યો

'સેવા એ જ સાચો માનવ ધર્મ છે' એ ઉક્તિને ભાવનગર જિલ્લાના સોનપરી ગામના યુવા સરપંચ તુષારભાઈ મેરે સાર્થક કરી બતાવી છે. સામાન્ય રીતે સરકારી ગ્રાન્ટ અને વહીવટી કામો સુધી સીમિત રહેતા સરપંચ પદને તેમણે માનવસેવાનું અનોખું માધ્યમ બનાવ્યું છે. સરપંચ તરીકે ચૂંટાયા બાદ તેમણે ગામના વિકાસ સાથે પ્રજાના દુઃખમાં સહભાગી થવાની એક અનોખી સેવાકીય પહેલ શરૂ કરી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 27 Sep 2026 10:30 AM (IST)Updated: Sun, 27 Sep 2026 10:30 AM (IST)
sonpari-gram-panchayat-sarpanch-tushar-mer-development-works
સોનપરી ગ્રામ પંચાયત

Sonpari Gram Panchayat: ગ્રામીણ વિસ્તારમાં લોકસેવા અને સરપંચ પદની સાચી વ્યાખ્યા ભાવનગર જિલ્લાના સોનપરી ગ્રામ પંચાયતમાં જોવા મળી રહી છે. સોનપરી ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ તુષાર મેર દ્વારા પોતાના કાર્યકાળ દરમિયાન અનેકવિધ પ્રજાભિમુખ, ક્રાંતિકારી અને સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવ્યા છે, જે સમગ્ર પંથકમાં પ્રશંસા પામી રહ્યા છે.

જનસેવા અને સામાજિક જવાબદારીના કાર્યો

તુષારભાઈ મેરે પંચાયતમાં ચાર્જ સંભાળ્યા બાદથી ગામમાં દરેક ક્ષેત્રે રાહત આપવાનો પ્રયાસ કર્યો છે:

મરણ સહાય:

ગામમાં અઢારે વર્ણમાંથી કોઈ પણ વ્યક્તિનું કુદરતી કે અકસ્માતે નિધન થાય ત્યારે તુષારભાઈ મેર તે શોકગ્રસ્ત પરિવારને આર્થિક રાહતરૂપે 10,000 ની મદદ પૂરી પાડે છે. ગ્રામીણ વિસ્તારમાં અચાનક આવી પડતા મરણ પ્રસંગના ખર્ચને પહોંચી વળવા આ રકમ પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે. મહત્વની વાત એ છે કે આ સહાય કોઈ સરકારી ફંડ કે દાતાઓની મદદથી નહીં, પરંતુ સરપંચ તુષારભાઈ પોતાના અંગત ખિસ્સામાંથી આપે છે અને આ રકમ ક્યારેય પરત લેવામાં આવતી નથી. પોતાના કાર્યકાળ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 24 મરણ પ્રસંગોમાં તેમણે 2.40 લાખની રોકડ સહાય ચૂકવી છે.

વિધવા બહેનોને ઘરવેરામાંથી મુક્તિ:

સોનપરીની તમામ વિધવા બહેનોને ઘરવેરાની પહોંચ આપી દેવાય છે, પરંતુ તેમનો વેરો સરપંચ પોતાના અંગત ખર્ચે ભરે છે.

ઘરબેઠા વિધવા સહાય પેન્શન:

વિધવા બહેનો કે વૃદ્ધોને પેન્શન ઉપાડવા પાલિતાણા ધક્કા ન ખાવા પડે તે માટે બેંકના કર્મચારીને મહિને ગામમાં બોલાવીને ગામમાંથી જ રકમ ચૂકવવાની વ્યવસ્થા કરાઈ છે.

રોજગારી, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સિદ્ધિઓ

ગામના યુવાનો, મહિલાઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મહત્વના પ્રોજેક્ટ હાથ ધરાયા છે:

સિલાઈ તાલીમ અને રોજગારી:

મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે 120થી વધુ બહેનોને સિલાઈ કામની મફત તાલીમ પૂરી પાડીને રોજગારીની તકો ઊભી કરાઈ છે.

ફ્રી ઝેરોક્ષ અને ઓનલાઈન ફોર્મ:

ગામના તમામ નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે આજીવન મફત ઝેરોક્ષ સેવા તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓના ઓનલાઈન ફોર્મ નિઃશુલ્ક ભરી આપવાની વ્યવસ્થા કરાઈ છે.

35 લાખની લાઈબ્રેરી:

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે 35 લાખના ખર્ચે અધ્યતન લાઈબ્રેરી મંજૂર કરાવવામાં આવી છે.

હરિયાળું સોનપરી (વન કવચ):

પર્યાવરણ જતન માટે 25 લાખના ખર્ચે 10,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરીને ગામમાં ભવ્ય 'વન કવચ' તૈયાર કર્યું છે.

નિદાન કેમ્પ:

મફત તબીબી તપાસ અને નિદાન કેમ્પોનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે.

17 વર્ષ જૂના જટિલ પ્રશ્નોનું સ્થળ પર નિવારણ

ગામની વર્ષો જૂની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો છે:

છેવાડાના વિસ્તારમાં પીવાનું પાણી:

છેલ્લા 17 વર્ષથી જે વિસ્તારમાં પીવાનું પાણી પહોંચતું નહોતું, ત્યાં ભગીરથ પ્રયાસો કરીને પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે.

30 લાખના ખર્ચે ડ્રેનેજ લાઈન:

ચોમાસામાં ઘરો અને દવાખાનામાં પાણી ભરાવાની ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવા હોદ્દો સંભાળ્યાના એક જ મહિનામાં 30 લાખના ખર્ચે નવી ગટર લાઈન નાખી પ્રશ્ન કાયમી ધોરણે હલ કરાયો છે.

પંચાયતમાં આવતા દરેક ગ્રામજનનું કામ વિલંબ વિના ત્વરિત થાય અને ગામમાં એકતા તથા ભાઈચારો જળવાઈ રહે તે બાબતને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.