80th Independence Day:જાણીતા કથાકાર મોરારી બાપુએ અમેરિકામાં ચાલી રહેલી તેમની રામકથા દરમિયાન સૌને ભારતના 80માં સ્વાતંત્ર્ય દિવસની શુભકામના પાઠવી છે.
અમેરિકામાં સમયના તફાવતને કારણે તારીખ બદલાઈ ગઈ હોવા છતાં તેમણે એ વાત પર ભાર મૂક્યો કે 15મી ઓગસ્ટની ભાવના આપણા હૃદયમાં હંમેશા અકબંધ રહે છે. મોરારી બાપુએ રાષ્ટ્રધ્વજનું સન્માન કરતી વખતે ઔપચારિક પ્રોટોકોલ અને આધ્યાત્મિક શ્રદ્ધા વચ્ચેનો એક અત્યંત માર્મિક તફાવત સ્પષ્ટ કર્યો.
તેમણે કહ્યું કે દુનિયાભરના ધ્વજને સલામી આપવી એ એક આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ છે જે નિભાવવો જોઈએ, પરંતુ ભારતીય તિરંગા પ્રત્યે આપણી એક વિશેષ અને અદ્વિતીય ભક્તિ છે. મોરારી બાપુએ કહ્યું કે આપણે અન્ય દેશોના ધ્વજને 'સલામ' કરીએ છીએ, પરંતુ આપણા ભારતના ધ્વજને હૃદયથી 'પ્રણામ' કરીએ છીએ.
અમેરીકા ખાતે 15મી ઓગસ્ટનાં સાંજથી મોરારી બાપુની 982મી રામકથાનો ગરિમાપૂર્ણ આરંભ થયો છે. ત્યારે આરંભે દીપ પ્રજ્વલન અને વેદનાં ઘનપાઠની વિધિ પછી અહીંના આયોજકો દ્વારા તેમજ મનોરથી લોર્ડ ડોલર પોપટ દ્વારા સ્વાગત વિધિ થયો. ભારતથી પધારેલા સંતો-મહંતો,કથા વાચકો, હાર્વર્ડનાં ઐતિહાસિક સભાગારમાં સ્કોલરની ભવ્ય બેઠક વ્યવસ્થાની બેંચ પર શ્રોતાઓએ સ્થાન ગ્રહણ કર્યું ત્યારે વિશ્વવિખ્યાત વિન્ટેજ હેરિટેજ જેવા સેન્ડર્સ હોલમાં હાર્વર્ડમાં હાર્ડવર્ક અને હાર્ટવર્ક વિશ્વવિદ્યાલયોનું જાણે મિલન સર્જાયું!
અત્રે ઉલ્લેખનીય છે કે 15મી ઓગસ્ટના દિવસની સમગ્ર દેશ અને વિદેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતે તેનો પ્રથમ સ્વતંત્રતા દિવસ ઉજવ્યો હતો. આ દિવસ દેશની સ્વતંત્રતા,સંઘર્ષ અને વીર શહીદોના બલિદાનને યાદ કરવાનો અવસર છે કે જેમણે સ્વતંત્ર ભારતનું સપનું જોયું હતું.
