Ram Katha At UN: UN હેડક્વાર્ટરમાં પ્રથમ વખત મોરારી બાપુની રામકથાનું આયોજન, કહ્યું- 'વૈશ્વિક શાંતિ અને વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરીશું'

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 27 Jul 2024 07:02 PM (IST)Updated: Sat, 27 Jul 2024 07:02 PM (IST)
morari-bapu-ram-katha-held-at-united-nationa-head-quarter

Ram Katha At UN: મોરારી બાપુ એક પ્રખ્યાત કથાવાચક અને આધ્યાત્મિક ગુરુ છે. સોશિયલ મીડિયામાં તેમની કથા અને પ્રવચનના વીડિયો ખૂબ જ વાયરલ થતા રહે છે. અત્યાર સુધીમાં મોરારી બાપુ દેશ-વિદેશમાં અનેક રામકથાનું સફળ આયોજન કરી ચૂક્યા છે. એવામાં ન્યૂયોર્ક સ્થિત યુનાઈટેડ નેશન (UN)ના હેડ ક્વાર્ટરમાં પ્રથમ વખત મોરારી બાપુ રામકથા કરવા જઈ રહ્યાં છે.

મોરારી બાપુની આ 940મી રામકથા છે, જે આજથી 9 દિવસ સુધી ચાલશે. ખાસ વાત એ છે કે, પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય મથકમાં રામકથાનું આયોજન થઈ રહ્યું છે. આજથી શરૂ થઈ રહેલી આ રામકથા આગામી 4 ઓગસ્ટ સુધી ચાલશે. ભારત અને અમેરિકામાં સમય અલગ-અલગ હોવાથી ભારતીય દર્શકો આસ્થા TV ચેનલ પર આવતીકાલે એટલે કે 28 જુલાઈથી 5 ઓગસ્ટ દરમિયાન સવારે સાડા 9 થી બપોરે 1 કલાક સુધી જોઈ શકશે.

ઉલ્લેખનીય છે કે, જ્યારે પણ મોરારી બાપુની વિદેશમાં કથા યોજાય, ત્યારે તેનું લાઈવ પ્રસારણ થતું હોય છે. જો કે આ રામકથામાં AI ટેક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મોરારીબાપુ રામકથા તો હિન્દીમાં જ કરશે, પરંતુ 40 કલાક પછી AIની મદદથી તે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ થઈ જશે અને મોરારીબાપુના અવાજમાં સાંભળવા મળશે.

આ અંગે મોરારી બાપુએ જણાવ્યું કે, UN હેડક્વાર્ટરમાં રામ કથાનું આયોજન એક સપનું સાકાર થવા સમાન છે. આ એક દૈવીય કૃપા છે અને વૈશ્વિક સદ્દભાવની દિશામાં એક પગલું છે. આપણે સૌ કોઈએ વિશ્વમાં શાંતિ, પ્રેમ અને સદ્દભાવ માટે એકજૂટ થઈને કામ કરવાની આવશ્યક્તા છે. આ રામકથાના માધ્યમથી અમે પરમ શાંતિ અને વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરીશું. રામચરિત માનસ વૈશ્વિક એકતાનો સંદેશ આપે છે.

જણાવી દઈએ કે, મોરારી બાપુ અત્યાર સુધીમાં શ્રીલંકા, ઈન્ડોનેશિયા, કેન્યા, બ્રિટન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝીલ, ઑસ્ટ્રેલિયા, ઈઝરાયલ અને જાપાન સહિત વિશ્વભરના અનેક દેશો અને તીર્થ સ્થળો પર રામકથા કરી ચૂક્યા છે.