Oxford Women Leaders Forum Award: ઈંગ્લેન્ડની પ્રખ્યાત ઓક્સફર્ડ યુનિવર્સિટી સંલગ્ન "વુમન લીડર્સ ફોરમ" દ્વારા દર વર્ષે વૈશ્વિક વિવિધ ક્ષેત્રે વિશેષ યોગદાન આપનાર હસ્તીઓને એવોર્ડ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવે છે. ચાલુ વર્ષે સ્ત્રી સશક્તિકરણના સંદર્ભમાં "વુમન લીડર" વિષય હેઠળ પૂજ્ય મોરારિબાપુના નાના ભાઈ ચેતનબાપુ હરિયાણીની પુત્રી ડો. વૈદેહી હરિયાણીની વુમન લીડર્સ ફોરમ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાંથી આ એવોર્ડ મેળવનાર તેઓ એકમાત્ર વ્યક્તિ છે.
રામાયણના સ્ત્રી પાત્રોનું સાંપ્રત અર્થઘટન વિષય પર PhD
ડો. વૈદેહી હરિયાણીએ ભાવનગર યુનિવર્સિટીમાંથી PhD માટે "સાંસ્કૃતિક સંદર્ભમાંરામાયણના સ્ત્રી પાત્રોનું સાંપ્રત અર્થઘટન" વિષય પર થીસીસ તૈયાર કરી છે. આ થીસીસમાં તેમણે રામાયણમાં સામાન્ય રીતે નકારાત્મક દ્રષ્ટિએ જોવામાં આવતા નારી પાત્રોના જીવન દર્શનને સાંપ્રત સમય અનુસાર મૂલવીને એક નવો જ આયામ રજૂ કર્યો હતો. આ સંશોધનને ધ્યાને રાખીને ઓક્સફર્ડ યુનિવર્સિટી સંલગ્ન ગ્લોબલ ફોરમ દ્વારા ડો. વૈદેહીની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.
'વુમન રિસર્ચ એન્ડ એકેડેમિક એક્સેલન્સ ઓફ ધ ઈયર'
આગામી 17 સપ્ટેમ્બરના રોજ લંડનની કેબલ કોલેજ ખાતે યોજાનાર ખાસ કાર્યક્રમમાં ડો. વૈદેહી હરિયાણીને "વુમન રિસર્ચ એન્ડ એકેડેમિક એક્સેલન્સ ઓફ ધ ઈયર" એવોર્ડથી નવાજવામાં આવશે. આ સિદ્ધિ બદલ ડો. વૈદેહી હરિયાણીએ માતા મંગળાબહેન અને પિતા ચેતનબાપુના પ્રોત્સાહનનો આભાર વ્યક્ત કર્યો હતો.
પોતાની આ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ અંગે વાત કરતાં ડો. વૈદેહીએ જણાવ્યું હતું કે, પૂજ્ય મોરારિબાપુની પ્રેરણા અને કૃપાથી જ તેમણે MA કર્યા બાદ રામાયણ આધારિત વિષય પર PhD પસંદ કર્યું હતું, જેનાથી સનાતન ધર્મમાં નારી શક્તિની મહત્તા વૈશ્વિક સ્તરે પહોંચી છે.
વૈષ્ણવ સાધુ સમાજ અને તલગાજરડામાં આનંદની લાગણી
પ્રખર કથાકાર પૂજ્ય મોરારી બાપુની ભત્રીજી અને તલગાજરડાની દીકરી ડો. વૈદેહી હરિયાણી આ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ બદલ ગુજરાતના સમગ્ર વૈષ્ણવ સાધુ સમાજે આનંદ વ્યક્ત કરીને આશીર્વાદ પાઠવ્યા છે. રામાયણના સ્ત્રી પાત્રો વિશે ઊંડાણપૂર્વક શોધ નિબંધ લખીને તેમણે ભાવનગર, ગુજરાત અને સમગ્ર ભારત દેશનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર રોશન કર્યું છે.
