Bhavnagar News: ભાવનગરના ઘોઘા તાલુકામાં નર્મદા નિગમની પાઇપ લાઇનમાં લિકેજ થઇ હતી. પાઇપ લાઇન લિકેજ થવાના કારણે ચારેકોર પાણી ફરી વળ્યા હતા. જે જગ્યાએ આ પાઇપ લાઇનમાં લિકેજ થયું છે ત્યાં ખેતરમાં 600 મણ કપાસમાં પાણી ફરી વળ્યું હતું. જેના કારણે ખેડૂતને લાખોનું નુક્સાન થયું છે.
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં તણસા ગામ આવેલું છે. આ ગામના ખેડૂત દશરથસિંહના ખેતરમાં આવેલી નર્મદા નિગમની પાઇપ લાઇનમાં લિકેજ થયું હતું. ફૂવારો ઉડતો હોય તેમ પાઇપ લાઇનમાંથી પાણી બહાર આવ્યું હતું અને તેમના ખેતર પર ફરી વળ્યું હતું. માત્ર તેમનું ખેતર જ નહીં પરંતુ આસપાસમાં પણ પાણી ફરી વળતા ચારેકોર પાણીજ પાણી જોવા મળ્યું હતું.
પાઇપ લાઇન લિકેજ થવાના કારણે વિપુલ પ્રમાણમાં પાણી ખેતરમાં ઘૂસી જતાં દશરથસિંહ નામના ખેડૂતનો કપાસનો પાક પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. પાણી ભરાઈ જતાં કપાસના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. દશરથસિંહના 600 મણ કપાસને નુકસાન થયું છે. એવું માનવામાં આવી રહ્યું છેકે તેમને જે નુકસાન થયું છે તેનો અંદાજ 9 લાખની આસપાસ છે.
