Bagdana Controversy Case: સોમવારે ગાંધીનગર ગજવશે કોળી સમાજ, મંત્રી પરશોત્તમ સોલંકી અને ધારાસભ્યો મુખ્યમંત્રીને મળશે

હવે સૌની નજર સોમવારે ગાંધીનગરમાં થનારી રજૂઆત પર છે. શું સરકાર કોળી સમાજની માંગણીઓ સ્વીકારી આરોપીઓ સામે કડક પગલાં લેશે કે કેમ, તે જોવું રહ્યું.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sun 04 Jan 2026 10:32 AM (IST)Updated: Sun 04 Jan 2026 10:33 AM (IST)
koli-community-leaders-will-meet-chief-minister-to-present-their-views-on-the-bagdana-controversy-case-667761

Bagdana Controversy Case Update: બગદાણાના કોળી સમાજના આગેવાન નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના વિવાદે હવે રાજ્યવ્યાપી સ્વરૂપ ધારણ કર્યું છે. પોલીસની ઢીલી કામગીરી અને મુખ્ય આરોપીઓની ધરપકડમાં થઈ રહેલા વિલંબને લઈને કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ મામલે સમાજને ન્યાય અપાવવા માટે ધારાસભ્ય હીરા સોલંકી, મંત્રી પરશોત્તમ સોલંકી અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા સક્રિય થયા છે.

ગાંધીનગરમાં શક્તિપ્રદર્શનની તૈયારી

કોળી સમાજના કદાવર નેતા હીરા સોલંકીએ સ્પષ્ટ કર્યું છે કે સમાજ હવે અન્યાય સામે ચૂપ બેસશે નહીં. તેમણે જાહેરાત કરી છે કે આગામી સોમવારે તેઓ પરશોત્તમ સોલંકી અને સમાજના મોટી સંખ્યામાં આગેવાનો સાથે ગાંધીનગર ખાતે સરકાર અને ગૃહમંત્રી સમક્ષ રજૂઆત કરવા પહોંચશે. હીરા સોલંકીએ હુંકાર કરતા જણાવ્યું કે, "સમાજ પર અત્યાચાર કરનારા ગમે તેટલા મોટા કેમ ન હોય, તેમને છોડવામાં નહીં આવે".

પોલીસની કામગીરી પર સવાલો અને PIની બદલી

આ કેસમાં શરૂઆતથી જ પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં રહી છે. હુમલામાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર પર ગંભીર આક્ષેપો હોવા છતાં, DySP રિવાબા ઝાલાએ તેમને 'ક્લિન ચીટ' આપી હતી, જેનાથી સમાજમાં રોષ વધ્યો હતો. જોકે, હીરા સોલંકીની ઉગ્ર માંગ બાદ તપાસ અધિકારી PI ડી.વી. ડાંગરની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી છે. કોળી સમાજનો આક્ષેપ છે કે પોલીસ આરોપીઓને બચાવી રહી છે અને ફરિયાદમાં યોગ્ય કલમો ઉમેરવામાં આવી નથી.

નેતાઓની પીડિત પરિવાર સાથે મુલાકાત

  • હીરા સોલંકી: હોસ્પિટલમાં પીડિતની મુલાકાત લઈ ન્યાય અપાવવાની ખાતરી આપી.
  • નિમુબેન બાંભણિયા: કેન્દ્રીય રાજ્યમંત્રીએ 2જી જાન્યુઆરીએ મુલાકાત લઈ સ્પષ્ટ કર્યું કે કાયદો સર્વોપરી છે અને કોઈપણ ગુનેગાર બચવો જોઈએ નહીં.
  • પરશોત્તમ સોલંકી: હીરા સોલંકીના જણાવ્યા મુજબ, પરશોત્તમભાઈ પણ આ લડતમાં સાથે છે અને સોમવારે મુખ્યમંત્રીને મળી રજૂઆત કરશે.

આંદોલનની ચીમકી

અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા મહુવા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જો 6 જાન્યુઆરી 2026 સુધીમાં મુખ્ય આરોપીઓ સામે કડક કાર્યવાહી નહીં થાય, તો બગદાણામાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હવે સૌની નજર સોમવારે ગાંધીનગરમાં થનારી રજૂઆત પર છે. શું સરકાર કોળી સમાજની માંગણીઓ સ્વીકારી આરોપીઓ સામે કડક પગલાં લેશે કે કેમ, તે જોવું રહ્યું.