ભાવનગરના આકાશમાં 'સૂર્ય કિરણ'નો રોમાંચઃ 1 નવેમ્બરે 9 યુદ્ધ વિમાનો ત્રિરંગી ધૂમાડા સાથે દિલધડક હવાઈ કરતબ રજૂ કરશે

ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ ટીમ દ્વારા 1 નવેમ્હરે ભાવનગરમાં રોમાંચક એર શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 9 હોક ફ્લાઈટ વિશેષ ફોર્મેશન અને તિરંગા રંગના ધૂમાડા સાથે હવામાં કરતબ બતાવશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 30 Oct 2026 06:39 PM (IST)Updated: Fri, 30 Oct 2026 06:39 PM (IST)
iaf-surya-kiran-air-show-in-bhavnagar-9-fighter-jets-to-perform-thrilling-aerobatics-on-nov-1

IAF Surya Kiran Air Show in Bhavnagar: ભારતીય વાયુસેનાની વિશ્વવિખ્યાત અને એશિયાની એકમાત્ર નવ એરક્રાફ્ટ ધરાવતી ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ દ્વારા ભાવનગરના આકાશમાં એક અદભુત અને રોમાંચક એર શોનું આયોજન કરવામાં આવ્યું છે.

વડોદરા એરબેઝ ખાતે રિહર્સલ બાદ આગામી 1 નવેમ્બરના રોજ ઉડાન ભરીને આ સ્ક્વોડ્રન ભાવનગરમાં પોતાના દિલધડક હવાઈ કરતબ બતાવ્યા બાદ પુનઃ વડોદરા પરત ફરશે. આ પ્રદર્શનને પગલે નાગરિકો અને ખાસ કરીને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ભાડજ નજીક કાર અકસ્માતમાં યુવકનું મોતઃ બિયર પાર્ટી કરીને જઈ રહેલા મિત્રોની અર્ટીગા ધડાકાભેર આગળ જતી ટ્રકમાં ઘુસી, 2ની હાલત ગંભીર

સૂર્યકિરણ એરોબેટિક ટીમના સ્ક્વોડ્રન લીડર લલિત વર્માના જણાવ્યા અનુસાર, ભાવનગર ખાતે યોજાનારા આ ખાસ એર શો માટે ભારતીય વાયુસેના દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ હવાઈ પ્રદર્શન મુખ્યત્વે બે તબક્કામાં વહેંચાયેલું રહેશે 'કમ્પોઝિટ' અને 'સિંક્રો'.

પ્રથમ તબક્કામાં 9 હોક એરક્રાફ્ટ દ્વારા આકાશમાં વિવિધ વિશિષ્ટ અને ચોક્કસ ફોર્મેશન રચવામાં આવશે, જે ભારતની સ્વદેશી ટેકનોલોજી અને ક્ષમતાનું પ્રતીક એવા 'તેજસ' યુદ્ધ વિમાનને સમર્પિત રહેશે. જ્યારે બીજા સિંક્રો તબક્કામાં વિમાનો અત્યંત નજીકથી હાઈ-સ્પીડ ક્રોસિંગ્સ કરશે તેમજ ત્રિરંગી ધુમાડો છોડીને આકાશમાં ભારતની શૌર્યગાથા અને રોમાંચક દ્રશ્યો સર્જશે.

 

 

સૂર્યકિરણ ટીમ માટે દેશ અને માતૃભૂમિનું ગૌરવ વધારવું એ જ મુખ્ય ધ્યેય રહ્યો છે. સ્ક્વોડ્રન લીડરે વધુમાં માહિતી આપતા કહ્યું હતું કે, આ એરોબેટિક ટીમ વર્ષના છ મહિના આકરા અને ચોક્કસ તાલીમ સત્રોમાંથી પસાર થાય છે, જ્યારે બાકીના છ મહિના દરમિયાન દેશ અને વિદેશના ખૂણે-ખૂણે જઈને આવા ભવ્ય એર શો રજૂ કરે છે.

ભાવનગરના આ સફળ આયોજન બાદ આગામી નવેમ્બર માસમાં નાગપુર સહિત દેશના અન્ય વિવિધ શહેરોમાં પણ ટીમ દ્વારા હવાઈ સાહસના પ્રદર્શનો યોજવામાં આવશે.

આ રોમાંચક પ્રદર્શનના માધ્યમથી પાઇલટ્સે દેશના આશાસ્પદ યુવાનોને ભારતીય વાયુસેના તેમજ સશસ્ત્ર દળોમાં જોડાઈને દેશસેવા કરવા અને એક ગૌરવપૂર્ણ કારકિર્દી બનાવવા માટે ખાસ આહ્વાન અને અપીલ કરી છે. ભાવનગરવાસીઓ માટે આકાશમાં ભારતીય વાયુસેનાનું આ શૌર્ય અને કૌશલ્ય નિહાળવું એ એક અદ્વિતીય અનુભવ બની રહેશે.