Bhavnagar News: શહેરના વડવા પાનવાડી રોડ પર આવેલા વિજય પેલેસની બાજુના વિસ્તારમાં આજે બપોરે એક ગંભીર દુર્ઘટના સર્જાતા સર્જાતા રહી ગઈ હતી. અહીં આવેલ એક જૂનું અને જર્જરીત બે માળનું મકાન અચાનક ધરાશાયી થઈ ગયું હતું. આ ઘટનામાં મકાનની અંદર કામ કરી રહેલા બે શ્રમિકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. જોકે, સ્થાનિક લોકોની સમયસૂચકતા અને ફાયર બ્રિગેડની સત્વર કાર્યવાહીના કારણે બંનેનો આબાદ બચાવ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડવા વિસ્તારમાં આવેલા આ જર્જરીત બે માળના મકાનમાં છેલ્લા કેટલાક સમયથી રિપેરિંગ અને મરામતનું કામ ચાલી રહ્યું હતું. બપોરના સુમારે અચાનક જ મકાનનો મોટો ભાગ કડડભૂસ થઈને નીચે પડ્યો હતો. મકાન ધરાશાયી થતાં જ આસપાસના વિસ્તારમાં ભારે હચમચ મચી ગઈ હતી અને ધૂળના ગોટેગોટા ઉડી ગયા હતા. મકાન અચાનક તૂટી પડતાં તેની અંદર કામ કરી રહેલા બે વ્યક્તિઓ કાટમાળ નીચે ફસાયા હતા.
આ પણ વાંચો
ઘટનાની ગંભીરતા જોતાં આસપાસના સ્થાનિક રહીશો તુરંત જ મદદે દોડી આવ્યા હતા. લોકોએ પોતાની જીવના જોખમે રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવીને કાટમાળ હટાવીને એક વ્યક્તિને તાત્કાલિક બહાર કાઢી લીધા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બીજી તરફ, ઘટનાની જાણ થતાં જ ૧૧૨ નંબર પરથી ફાયર કંટ્રોલ રૂમને વર્ધી મળવા માત્રથી ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ તાત્કાલિક મોરચો સંભાળીને સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયર ટીમની સચોટ કામગીરીને કારણે બીજા ફસાયેલા વ્યક્તિને પણ સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
આ દુર્ઘટનામાં બંને ઈજાગ્રસ્તોને સામાન્ય ઈજાઓ પહોંચી છે, પરંતુ સમયસર મળેલી પ્રાથમિક સારવાર અને બચાવ કામગીરીના કારણે મોટી જાનહાનિ ટળી હતી. હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બંને ઈજાગ્રસ્તોની તબિયત સ્થિર અને સંપૂર્ણ સુરક્ષિત હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે વહીવટી તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જર્જરીત મકાનો સામે વહેલી તકે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
