Bobby Deol Bhavnagar: બોલિવુડના જાણીતા એક્ટર બોબી દેઓલ ભાવનગર શહેરના મહેમાન બન્યા છે. બોબી દેઓલ હાલ ભાવનગર શહેરની 3 દિવસની મુલાકાતે આવ્યા છે. જ્યારે તેઓ ભાવનગર એરપોર્ટ પર ઉતર્યા ત્યારે તેઓનું હાર પહેરાવી અને આરતી ઉતારીને ભારતીય પરંપરા મુજબ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બોલિવુડ સ્ટારની એક ઝલક મેળવવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
અભિનેતા બોબી દેઓલનું સ્વાગત
મળતી માહિતી અનુસાર, બોબી દેઓલ મુંબઈથી ફ્લાઈટના માધ્યમથી ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા.ભાવનગર એરપોર્ટ પર ભાવભર્યા આવકાર બાદ તેઓ હોટલ પોર્ટિકો પહોચ્યા હતા. જ્યાં હોટલના પરિસરમાં ભારતીય પરંપરાને અનુસરીને કુમકુમ તિલક, ઢોલ નગારા અને પુષ્પગુચ્છ સાથે તેમનું શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું.
'કેરેસિલ' ના ખાસ કોર્પોરેટ ઇવેન્ટમાં આપશે હાજરી
બોબી દેઓલ ભાવનગરની જાણીતી કંપની કેરેસિલ લિમિટેડ દ્વારા આયોજિત એક વિશેષ કોર્પોરેટ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા આવ્યા છે. પોતાની 3 દિવસની મુલાકાત દરમિયાન તેઓ કંપનીના ઇવેન્ટમાં હાજરી આપવાની સાથે ગોહિલવાડના સાંસ્કૃતિક વારસા અને સ્થાનિક આતિથ્ય સત્કારનો આનંદ માણશે.
