Bhavnagar Rain: ભાવનગરના મહુવામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, અઢી ઇંચથી વધુ ખાબક્યો

મહુવા શહેરના ગાંધીબાગ, વાસી તળાવ, એસ.ટી. સ્ટેન્ડ, કુબેરબાગ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા હતા.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 27 May 2025 03:24 PM (IST)Updated: Tue, 27 May 2025 03:24 PM (IST)
bhavnagar-weather-update-rain-since-morning-2-inch-recorded-in-mahuva

Bhavnagar Rain News: ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ધોધમાર વરસાદ અને તેજ પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ અંધારપટ છવાઈ ગયો હતો. આજે બપોરે 2 વાગ્યા સુધીમાં મહુવામાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે તળાજામાં 19 મિ.મી. વરસાદ નોંધાયો છે.

મહુવા શહેરના ગાંધીબાગ, વાસી તળાવ, એસ.ટી. સ્ટેન્ડ, કુબેરબાગ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા હતા. શહેરભરમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી હતી.

મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. ની કોટડા, બગદાણા, સેદરડા, મોટા ખુટવડા સહિતના અનેક ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત, ભાવનગરના દરિયાકાંઠાના ગામો જેવા કે તળાજા અને મહુવામાં પણ નાના વાવાઝોડા જેવો પવન અને વરસાદ શરૂ થયો હતો. સવારથી જ દાઠા, ગોપનાથ, બોરડા, કાલસર, ઊંચા કોટડા સહિતના દરિયાકાંઠાના ગામોમાં ભારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.