Bhavnagar Crime News: ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સીદસર નજીક આવેલા વાળુકડ ગામે 28 માર્ચની રાત્રે ચકચારી હત્યાનો બનાવ બન્યો છે. એક 29 વર્ષીય યુવાનની ત્રણ અજાણ્યા શખ્સોએ જાહેરમાં છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
29 વર્ષીય યુવાનની જાહેરમાં હત્યા
આ બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, હત્યાનો ભોગ બનનાર 29 વર્ષીય યુવાનનું નામ રવિભાઈ અનિલભાઈ ક્લોતરા છે. અચાનક ત્રાટકેલા હુમલાખોરોએ યુવકને રસ્તા વચ્ચે રોકીને આડેધડ પેટના ભાગે ઉપરાઉપરી ઘા માર્યા હતા. જેનાથી ગંભીર રીતે ઘવાયેલા યુવકનું હોસ્પિટલ પહોંચતા જ મોત નીપજ્યું હતું.
ASP અને સીટી DySP ઘટનાસ્થળે
બનાવની જાણ થતાં જ ASP, સીટી DySP અને વરતેજ પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. મૃતક યુવાનના મૃતદેહને ખુલ્લી મેજીક વાહનમાં પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
સમગ્ર ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ
બીજી તરફ આ સમગ્ર જીવલેણ હુમલાની ઘટના ત્યાંથી પસાર થઈ રહેલા એક કારચાલકે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી, જેનો વીડિયો હાલ વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રસ્તા વચ્ચે એક યુવકની મોપેડ પડેલી છે, અને તેની બાજુમાં ત્રણ ઈસમો તીક્ષ્ણ હથિયાર વડે યુવક પર ઘાતકી હુમલો કરી રહ્યા છે.
આ પણ વાંચો: Bhavnagar: વરતેજમાં પતિએ ઘરમાં બીજી સ્ત્રી બેસાડવા પત્નીનું કાસળ કાઢ્યું, પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો
ત્રણેય શખ્સોએ છરીના ઘા માર્યા
આ દરમિયાન ત્યાંથી પસાર થતો એક સ્થાનિક રાહદારી યુવકને બચાવવા માટે હુમલાખોરોને રોકવાનો પ્રયાસ કરે છે, તેમ છતાં ત્રણેય શખ્સો રોકાયા વગર આડેધડ છરીના ઘા મારીને યુવકને લોહીલુહાણ કરી નાખે છે. હત્યાને અંજામ આપ્યા બાદ ત્રણેય આરોપીઓ પોતાની મોપેડ પર બેસીને ત્યાંથી ફરાર થઈ જાય છે.
આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન
આ અંગે ભાવનગર ગ્રામ્યના ASP ઘનશ્યામ ગૌતમે જણાવ્યું કે, વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ હત્યાની ઘટના અંગે પોલીસે FIR નોંધી છે. પ્રાથમિક માહિતી મુજબ હત્યા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. હાલ પોલીસે અજાણ્યા શખ્સોની શોધખોળ શરૂ કરી છે અને અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
