Bhavnagar ST Bus Accident: ભાવનગર શહેરમાં એક અત્યંત હચમચાવી દે તેવી અકસ્માતની ઘટના સામે આવી છે. એસટી બસ સ્ટેન્ડ નજીક એક બેકાબૂ બસ ફૂટપાથ પર ચડી જતાં, વાહનની રાહ જોઈને બેસેલાં માતા અને તેમની 7 વર્ષની માસૂમ પુત્રીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય એક મહિલા પણ ઘાયલ થયા છે, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બેકાબૂ બસે માતા અને દીકરીને કચડી નાખ્યા
પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગર એસટી બસ સ્ટેન્ડમાંથી સિહોર-ટાણા-વરલ રૂટની બસ બહાર નીકળી રહી હતી. આ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. પૂરપાટ ઝડપે દોડતી બસની બ્રેક ન વાગતાં બસ સીધી ફૂટપાથ પર ચડી ગઈ હતી અને આગળ જઈને ભરૂચા ક્લબની દીવાલ સાથે ભયાનક રીતે ટકરાઈ હતી.
આ સમયે ફૂટપાથ પર સણોસરાના રામધરી ગામના લલીતાબેન પરમાર અને તેમની 7 વર્ષની પુત્રી સોનિયા વાહનની રાહ જોઈને બેઠા હતા. કાળ બનીને આવેલી આ બસ બંને માતા-પુત્રી પર ફરી વળતા બંનેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અકસ્માતમાં અન્ય એક મહિલા પણ અડફેટે આવતા તેમને ઈજાઓ પહોંચી હતી.
ડ્રાઈવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી
બનાવની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઈજાગ્રસ્ત મહિલાને તુરંત જ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ક્રેન અને અન્ય સાધનોની મદદથી બસને હટાવીને ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી ડ્રાઈવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
મૃતકોના નામ:
- લલીતાબેન ગુલાબસિંહ પરમાર(ઉંમર વર્ષ: 28, રહે. રામધરી, સણોસરા)
- સોનિયાબેન ગુલાબસિંહ પરમાર (ઉંમર વર્ષ: 7, રહે. રામધરી, સણોસરા)
ઈજાગ્રસ્ત
મધુબેન લાલજીભાઈ વાઘેલા (રહે. ઠોડા, ઉમરાળા)
