Bhavnagar Road Accident: ભાવનગર જિલ્લાથી ગંભીર અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગરના ત્રાપજ નજીક એક ટ્રેલર પાછળ બોલેરો કાર ઘૂસી જતા 6 લોકોના મોત થયા હોવાની જાણકારી છે. અકસ્માત અંગે માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. પોલીસ તપાસ અનુસાર, અકસ્માતગ્રસ્ત કારમાં અલંગ શિપબ્રેકીંગ યાર્ડના કોઈ બે પ્લોટનો સ્ટાફ સવાર હતો.

ભાવનગરના ત્રાપજ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી એક બોલેરો કાર આગળ ચાલી રહેલા ટ્રેલર પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં ઘટનાસ્થળે જ 6 લોકોના કરૂણ મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતકોમાં વિજયભાઈ, સાધુભાઈ, જીજ્ઞેશભાઈ, ભાર્ગવભાઈ, હિરેનભાઈ અને યોગેશભાઈનો સમાવેશ થાય છે. પ્રાથમિક માહિતી મુજબ તમામ મૃતકો અલંગ શિપબ્રેકિંગ યાર્ડના કોઈ બે પ્લોટનો સ્ટાફ હોવાનું જાણવા મળી રહ્યું છે.

અકસ્માતની આ ગંભીર ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતમાં જયેશભાઈ નામની એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેને પ્રથમ ભાવનગર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
