Bhavnagar Bribery Case: ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભાવનગરમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ મોટી કાર્યવાહી કરી છે. ભાવનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીમાં આઉટસોર્સિંગથી પ્લાનિંગ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા મીતુલને 9 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. ACB ટીમે લાંચની સંપૂર્ણ 9 લાખની રકમ રીકવર કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદીની શામપરા સીદસર ગામની સીમમાં આવેલી બિનખેતીની જમીનનો પ્લાન મંજૂર કરાવવા માટેની પ્રક્રિયા ભાવનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી ખાતે છેલ્લા દોઢેક વર્ષથી ચાલી રહી હતી. આરોપીએ પ્લાન મંજૂર કરાવવા માટે ફરિયાદી પાસે શરૂઆતમાં 15 લાખની લાંચની માંગણી કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. રકઝકના અંતે 12 લાખ આપવાનું નક્કી થયું હતું.
નક્કી થયેલી લાંચની રકમ પૈકી 9 લાખ 27 ઓક્ટોબર, 2026 ના રોજ આપવાનું નક્કી થયું હતું. જોકે, ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે ભાવનગર ACB નો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACB ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું.
ACB દ્વારા ગોઠવવામાં આવેલ છટકામાં આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી 9 લાખની લાંચની માંગણી કરી રકમ સ્વીકારી હોવાનો આક્ષેપ છે. આ દરમિયાન ACB ટીમે આરોપીને સ્થળ પરથી ઝડપી પાડ્યો હતો અને લાંચની સંપૂર્ણ 9 લાખની રકમ રીકવર કરી હતી.
આ ટ્રેપની કાર્યવાહી ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં કલ્યાણ જ્વેલર્સથી આગળ, નવી પાણીની ટાંકી પાસે કરવામાં આવી હતી. આરોપી મીતુલ જગદીશભાઈ પાનસીણીયા (ઉંમર 32 વર્ષ) ભાવનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીમાં વર્ગ-3ના આઉટસોર્સિંગ પ્લાનિંગ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં ટાણા ચોકડી પાસે આવેલી અલ્કાપુરી સોસાયટીમાં રહેતા હોવાનું જણાવાયું છે.
